'ભારતમાં EVM બ્લેક બોક્સ છે અને..', મસ્ક બાદ રાહુલ ગાંધીએ પોસ્ટ કરતા ફરી ચર્ચા છંછેડાઈ
Image : IANS |
Rahul Gandhi on EVM: ભારતમાં ઈવીએમને લઈને લાંબા સમયથી વિપક્ષ સવાલો ઉઠાવી રહ્યું છે. તેમજ ઈલોન મસ્કે પણ ઈવીએમ અંગે એક મોટો દાવો કરીને કહ્યું હતું કે તે હેક થઈ શકે છે અને તેનો ઉપયોગ જ બંધ કરીને ઈવીએમ ખતમ કરી દેવા જોઈએ. ત્યારે હવે રાહુલ ગાંધીએ પણ ઈવીએમને લઈને સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ કરી છે. જેમાં ઈલોન મસ્કને પણ ટેગ કર્યા છે.
રાહુલ ગાંધીએ ફરી EVMને લઈને સવાલો ઉઠાવ્યા
લોકસભા 2024ની ચૂંટણી દરમિયાન વિપક્ષે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)નો મુદ્દો જોરદાર રીતે ઉઠાવ્યો હતો, પરંતુ ચૂંટણી પરિણામો જાહેર થતાં જ આ મુદ્દો ગાયબ થઈ ગયો હતો. જો કે વચ્ચે-વચ્ચે નેતાઓએ આ અંગે સવાલો ઉઠાવ્યા છે. જે મુદ્દો અચાનક ગાયબ થઈ ગયો હતો તે ફરી ચર્ચામાં આવે તેમ લાગી રહ્યું છે. હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર EVMને લઈને સવાલો ઉઠાવ્યા છે.
રાહુલ ગાંધીએ એકસ્ પર પોસ્ટ કરી
રાહુલ ગાંધીએ પોતાના સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરતા લખ્યું છે કે 'ભારતમાં EVM એ બ્લેક બોક્સ છે. અને કોઈને તેની તપાસ કરવાની પરવાનગી નથી. ભારતની ચૂંટણી પ્રક્રિયાની પારદર્શક્તા અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે સંસ્થાઓમાં જવાબદારીનો અભાવ હોય છે, ત્યારે લોકશાહી ઢોંગી બની જાય છે અને છેતરપિંડીની શક્યતા વધી જાય છે.'
ઈલોન મસ્કે મોટો દાવો કર્યો હતો
નોંધનીય છે કે અગાઉ દુનિયાના ટોચના ધનિકોમાં સામેલ ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ઈલોન મસ્કે ઈવીએમ અંગે એક મોટો દાવો કરીને આખી દુનિયાને ચોંકાવી હતી. મસ્કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) વિશે કહ્યું કે તે હેક થઈ શકે છે અને તેનો ઉપયોગ જ બંધ કરીને ઈવીએમ ખતમ કરી દેવા જોઈએ.