'કપડાં પર ટેક્સ વધારવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર', GSTને લઈને રાહુલ ગાંધીના પ્રહાર
Rahul Gandhi On GST: કેન્દ્ર સરકાર જીએસટી સ્લેબ વધારવાની તૈયારી કરી રહી છે? કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કંઈક એવા જ સંકેત આપતા કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર રાહુલ ગાંધીએ પોસ્ટમાં લખ્યું કે, "મૂડીવાદીઓને છૂટ અને સામાન્ય લોકો પાસેથી લૂંટ કરવાનું વધુ એક ઉદાહરણ જુઓ. એક તરફ કોર્પોરેટ ટેક્સના મુકાબલે ઇન્કમ ટેક્સ સતત વધી રહ્યો છે. બીજી તરફ મોદી સરકાર ગબ્બર સિંહ ટેક્સથી વધુ વસૂલાતની તૈયારી કરી રહી છે. સાંભળવા મળી રહ્યું છે કે, જીએસટીથી સતત વધતી વસૂલી વચ્ચે સરકાર એક નવો ટેક્સ સ્લેબ લાવવા જઈ રહી છે. તમારી જરૂરિયાતની ચીજવસ્તુઓ પર જીએસટી વધારવાની યોજના છે."
રાહુલ ગાંધીએ લખ્યું કે, "થોડું વિચારો. હજુ, લગ્નની સીઝન ચાલી રહી છે. લોકો પાઈ-પાઈ એકઠી કરીને પૈસા ભેગા કરી રહ્યા હશે અને સરકાર આ વચ્ચે રૂ.1500થી ઉપરના કપડાં પર જીએસટી 12 ટકાથી વધારીને 18 ટકા કરવા જઈ રહી છે. આ ઘોર અન્યાય છે. અરબપતિઓને ટેક્સમાં છૂટ આપવા અને તેમના મોટા મોટા દેવા માફ કરવા માટે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની મહેનતની કમાણીને ટેક્સ દ્વારા લૂંટવામાં આવી રહી છે. અમારી લડાઈ આ અન્યાય વિરૂદ્ધ છે. સામાન્ય લોકો પર પડી રહેલા ટેક્સના માર વિરૂદ્ધ અમે મજબૂતીથી અવાજ ઉઠાવીશું અને આ લૂંટને રોકવા માટે સરકાર પર પ્રેશર બનાવીશું." રાહુલ ગાંધીની આ પોસ્ટ બાદ ફરી એકવાર જીએસટીને લઈને ચર્ચા શરૂ થઈ ચૂકી છે.