Get The App

કોંગ્રેસના કાર્યક્રમમાં રાહુલ ગાંધીનું માઇક થઈ ગયું બંધ, કહ્યું- દેશમાં જે દલિતોની વાત કરશે તેની સાથે આવું જ થશે

Updated: Nov 26th, 2024


Google NewsGoogle News
Rahul Gandhi


75th Constitution Day: બંધારણ દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દલિતો અને જાતિગત વસ્તી ગણતરીની વાત કરી રહ્યા હતાં, ત્યારે અચાનક લાઈટ જતી રહી હતી. થોડી વાર બાદ લાઈટ આવતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘આ લોકો ગમે તેટલો પ્રયાસ કરી લે, પરંતુ અમે ચૂપ નહીં રહીએ, મારે બોલવું છે અને હું બોલીશ. માઈક દલિતોની વાત કરવા પર બંધ કરી દેવામાં આવે છે.’

નોંધનીય છે કે, અગાઉ અદાણી ગ્રૂપ પર અમેરિકા દ્વારા લાંચ અને છેતરપિંડીના આરોપો મૂકવામાં આવ્યા હતા, ત્યારે કોંગ્રેસ દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પણ લાઈટ જતી રહી હતી અને રાહુલ ગાંધીનું માઈક બંધ થઈ ગયું હતું. ત્યારે ગાંધીએ અદાણીના ત્યાંથી પાવર કપાયો હોવાની ટીખળ કરી હતી.

વડાપ્રધાન મોદી પર કર્યા પ્રહારો

રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી અને એનડીએ સરકાર પર પ્રહારો કરતાં કહ્યું કે, ‘આજે સંસદમાં બંધારણ દિવસની ઉજવણી થઈ, પરંતુ મોદીજીએ બંધારણના આ પુસ્તકને વાંચ્યું હોત તો તેમણે આવું ન કર્યું હોત. મોદીજી તેને એક સામાન્ય પુસ્તક માની રહ્યા છે. પરંતુ તે સામાન્ય પુસ્તક નથી, તેમાં હિન્દુસ્તાનની 21મી સદીમાં સામાજિક સશક્તિકરણની વિચારસરણી છે.’



જૂઠાણા પર સરકાર ચાલી રહી છેઃ રાહુલ ગાંધી

બંધારણના પુસ્તકને હાથમાં લેતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘ગાંધી, ફૂલે, શિવાજીની વિચારસરણી આ પુસ્તકમાં જોવા મળશે. શું સાવરકરનો વિચાર તેમાં જોવા મળે છે. આ સત્ય અને અહિંસાનું પુસ્તક છે. જેમાં ક્યાંય લખ્યું નથી કે, જૂઠાણા પર સરકાર ચલાવો, કોઈને મારો, કાપી નાખો. અહીં રોહિત વેમુલાની તસવીર લગાવાઈ છે, જે અવાજ ઉઠાવવા માગતા હતા, પરંતુ તેમને મારી નાખવામાં આવ્યા.’

આ પણ વાંચોઃ હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરો: બાંગ્લાદેશમાં ચિન્મય દાસની ધરપકડ અંગે ભારતે વ્યક્ત કરી ચિંતા

તેલંગાણામાં જાતિ આધારિત વસ્તી ગણતરી

આ દરમિયાન રાહુલ ગાંદીએ જાતિ આધારિત વસતી ગણતરીનો મુદ્દો પણ છેડ્યો. તેમણે કહ્યું કે, ‘થોડા દિવસ પહેલાં તેલંગાણામાં જાતિ આધારિત વસ્તી ગણતરી શરૂ થઈ છે. પ્રથમ વખત જ્ઞાતિ સંવેદના મુદ્દે જાહેરમાં કવાયત હાથ ધરાઈ હતી. જેમાં લાખો દલિતો અને તમામ પછાત વર્ગના લોકોએ ભાગ લીધો હતો. આવનારા સમયમાં જ્યાં પણ અમારી સરકાર આવશે ત્યાં અમે જાતિ આધારિત વસ્તી ગણતરી કરીશું. ભારતમાં 15 ટકા દલિત વસ્તી, 8 ટકા આદિવાસી વસ્તી અને 10 ટકા લઘુમતી વસ્તી છે, પરંતુ તેમાં પછાત વર્ગના કેટલા લોકો સામેલ છે તેની કોઈ માહિતી નથી.’

આ વિશે વધુ વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘પછાત વર્ગ 50 ટકા સુધી હોઈ શકે છે. જો આપણે આ બધાને એકસાથે ઉમેરીએ તો 90 ટકા વસ્તી આ વર્ગોમાંથી આવે છે. પરંતુ તેમની ભાગીદારી 5થી 10 ટકા છે.  જ્યારે પણ આરએસએસ અને મોદીને તક મળે છે તેઓ આ દીવાલને વધુ મજબૂત કરે છે. દેશના પૈસા 25 અબજપતિના ખિસ્સામાં જાય છે. આ 25માંથી એક દલિત આદિવાસીનું નામ જણાવો.’

અમે લોકોને મનરેગા અને ભોજનનો અધિકાર આપ્યો

લોકસભામાં વિપક્ષ નેતાએ કહ્યું કે, ‘યુપીએ સરકારે મનરેગા, ભોજનનો અધિકાર આપ્યો. અમે આ પછાત વર્ગની દીવાલને નબળી કરવાનો પ્રયાસ કર્યો હતો. યુપીએ સરકારે આક્રમક રીતે પોતાની કામગીરી નિભાવી નથી. પરંતુ આ ગરીબ-અમીરની દીવાલને તોડવાનો પ્રયાસ કર્યો. હવે તેલંગાણામાં સરકારની નીતિ જાતિના આધારે ડેટા તૈયાર કરી અનામત 50 ટકાથી વધારવા કામ કરીશું. ભાજપ કે આરએસએસ ગમે તે કરે, તેઓ જાતિ ગણતરી અને 50 ટકા અનામતના અવરોધને દૂર કરશે. અમે આ લોકસભામાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનું ચાલુ રાખીશું.’

કોંગ્રેસના કાર્યક્રમમાં રાહુલ ગાંધીનું માઇક થઈ ગયું બંધ, કહ્યું- દેશમાં જે દલિતોની વાત કરશે તેની સાથે આવું જ થશે 2 - image


Google NewsGoogle News