Get The App

VIDEO: બે દિવસના વિરામ પછી ભારત જોડો ન્યાય યાત્રા શરૂ, ખડગેની મમતાને સુરક્ષા આપવાની અપીલ

યાત્રા રાત્રે સિલીગુડી પાસે રોકાશે, સોમવારે ઉત્તર દિનાજપુર જિલ્લાના ઈસ્લામપુર તરફ આગળ વધશે

અધીર રંજન ચૌધરીએ બંગાળમાં રાહુલના પોસ્ટર ફાડવા ઉપરાંત સભાની મંજૂરી મેળવવામાં સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરી

Updated: Jan 28th, 2024


Google NewsGoogle News
VIDEO: બે દિવસના વિરામ પછી ભારત જોડો ન્યાય યાત્રા શરૂ, ખડગેની મમતાને સુરક્ષા આપવાની અપીલ 1 - image


Bharat Jodo Nyay Yatra : બિહારમાં રાજકીય ખળભળાટ વચ્ચે રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં બે દિવસના વિરામ બાદ ફરી શરૂ થઈ છે. આ અગાઉ આસામ પહોંચેલી યાત્રામાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. તો જલપાઈગુડીમાં પણ કોંગ્રેસે મુસીબતનો સામનો કર્યો હતો. યાત્રા અંગે મલ્લિકાર્જુન ખડગેએ મમતા બેનર્જીને પત્ર લખ્યો હતો, તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આજે નિવેદન આપ્યું છે. આ ઉપરાંત કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ યાત્રાના આગામી રૂટ અંગે પણ માહિતી આપી છે.

રાહુલ ગાંધીની લોકોને વિનંતી

યાત્રા ફરી શરૂ કરતા પહેલા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ સોશિયલ મીડિયા એક્સ પર કહ્યું કે, ‘આજે દેશ નિર્ણાયક તબક્કામાં છે. અસંખ્ય બલિદાનથી મળેલા અધિકારની રક્ષા કરવા આ ન્યાય અભિયાનમાં તમારું યોગદાન આપો. અન્યાય વિરુદ્ધના આ ઐતિહાસિક જંગમાં તમારુ નામ નોંધાવો.’

અધીર રંજને યાત્રાના આગામી રૂટ અંગે માહિતી આપી

પશ્ચિમ બંગાળ કોંગ્રેસ એકમના અધ્યક્ષ અને લોકસભા સાંસદ અધીર રંજન ચૌધરીએ સિલીગુડીના બાગડોગરા એરપોર્ટ પર રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. રાહુલ સિલીગુડીથી જલપાઈગુડી પહોંચ્યા અને ત્યાંથી જ બપોરે યાત્રા ફરી શરૂ કરી છે. યાત્રા અંગે અધીર રંજને વિગતો આપતા કહ્યું કે, ‘યાત્રા બસ અને પગપાળા આગળ વધશે અને રાત્રે સિલીગુડી પાસે રોકાશે. યાત્રા આગામી દિવસે સોમવારે ઉત્તર દિનાજપુર જિલ્લાના ઈસ્લામપુર તરફ આગળ વધશે, ત્યારબાદ બિહારમાં પ્રવેશ કરશે. આ યાત્રા બુધવારે (31 જાન્યુઆરી)એ માલદાના રૂટ પરથી પશ્ચિમ બંગાળમાં ફરી પ્રવેશ કરશે અને મુર્શિદાબાદ થઈને એક ફેબ્રુઆરીએ રાજ્યમાંથી નીકળી આગળ વધશે.’

ખડગેએ યાત્રા અંગે મમતાને લખ્યો પત્ર

અગાઉ કોંગ્રેસ (Congress)ના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ((Mallikarjun Kharge))એ TMC નેતા અને પશ્ચિમ બંગાળ (West Bengal)ના મુખ્યમંત્રી મમતા બેનર્જી (CM Mamata Banerjee)ને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે રાજ્યમાં સુચારુરૂપે કાર્યક્રમ યોજાય તે માટે સુરક્ષાની ખાતરી આપવા અપીલ કરી છે. કોંગ્રેસે જલપાઈગુડીમાં રાહુલ ગાંધીની તસવીરોવાળા કેટલાક બનેરો ફાડ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે અધીર રંજન ચૌધરી (Adhir Ranjan Chowdhury)એ બંગાળમાં સભા યોજવાની મંજૂરી મેળવવામાં અડચણો આવી હોવા પર ચિંતા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનિય છે કે, પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ યાત્રાના પ્રવેશના એક દિવસ પહેલા મમતા બેનર્જીએ I.N.D.I.A. ગઠબંધનની મદદ વગર રાજ્યમાં એકલા હાથે લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.


Google NewsGoogle News