અમેઠી-રાયબરેલીથી રાહુલ અને પ્રિયંકા ચૂંટણી લડવા કેમ નથી તૈયાર? કોંગ્રેસ સામે મોટી દુવિધા

પ્રિયંકા ગાંધી તો લોકસભા ચૂંટણી લડવા જ તૈયાર નહીં હોવાની ચર્ચા

Updated: Mar 16th, 2024


Google NewsGoogle News
અમેઠી-રાયબરેલીથી રાહુલ અને પ્રિયંકા ચૂંટણી લડવા કેમ નથી તૈયાર? કોંગ્રેસ સામે મોટી દુવિધા 1 - image

image : IANS



Lok sabha Election 2024 | આગામી લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો તૈયારીમાં વ્યસ્ત છે. એક પછી એક બેઠકોની જાહેરાત થઈ રહી છે. આજે એટલે કે શનિવારે ચૂંટણી પંચ તારીખોની પણ જાહેરાત કરવા જઈ રહ્યું છે, ત્યારબાદ ચૂંટણીને લઈને ચિત્ર સ્પષ્ટ થશે. પરંતુ તે પહેલા ગાંધી પરિવાર વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગાંધી પરિવારે અમેઠી અને રાયબરેલીથી પોતાને દૂર કરી લીધા છે અને પરિવારનો કોઈ સભ્ય આ પરંપરાગત બેઠકો પરથી આગામી ચૂંટણી લડશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસના બંને નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ અમેઠી અને રાયબરેલીથી ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો છે.

રાહુલ ગાંધી નહીં લડે અમેઠીથી..જાણો કેમ? 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું માનવું છે કે જો તેઓ અમેઠી અને વાયનાડ એમ બે જગ્યાએથી ચૂંટણી લડ્યા અને બંને જગ્યાએથી જીત્યા તો પછી તેમણે એક સીટ છોડવી પડશે, જે ખોટું હશે અને લોકોમાં ખોટો સંદેશ જશે. રાહુલનું માનવું છે કે જો તે જીતીને અમેઠી છોડી દેશે તો અમેઠીના લોકો કહેશે કે છેલ્લી વખત હાર્યા બાદ આ વખતે અમે જીતાડ્યાં તો પણ અમને છોડી ગયા. જ્યારે વાયનાડ છોડતી વખતે, ત્યાંના લોકો કહેશે કે જ્યારે તેઓ પરંપરાગત સીટ અમેઠીથી હારી ગયા હતા, ત્યારે તેઓએ મને સંસદમાં મોકલ્યા હતા અને હવે અમેઠી જીત્યાં તો એમના માટે હું તેમને છોડી ગયો. 

પ્રિયંકાએ ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો

બીજી તરફ પ્રિયંકા ગાંધીએ લોકસભાની ચૂંટણી લડવાનો જ ઈનકાર કરી દીધો છે. ન તો રાયબરેલીથી કે ન તો અન્ય કોઈ જગ્યાએથી. પ્રિયંકાનું માનવું છે કે જો તેમના પરિવારના ત્રણ સભ્યો સંસદમાં જશે તો તેનાથી જનતામાં ખોટો સંદેશ જશે. તેમજ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ ભત્રીજાવાદના આરોપને મજબૂત મોહર લાગી જશે. તેમના આક્ષેપો સાચા સાબિત થશે.

કોંગ્રેસની દુવિધા વધી 

અહીં રાહુલ પણ તેમની બહેન પ્રિયંકા સાથે સંપૂર્ણ રીતે સંમત છે અને બંનેએ અમેઠી અને રાયબરેલીથી પોતાને દૂર કરી લીધા છે અને ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. રાહુલ ફરી એકવાર કેરળના વાયનાડથી લોકસભા ચૂંટણી લડવાના છે. આવી સ્થિતિમાં હવે કોંગ્રેસ સમક્ષ આ બે પરંપરાગત બેઠકો પર પાર્ટીએ કોને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવું તે એક મોટી સમસ્યા ઊભી થઈ છે. જે અહીં વિજયી બની શકે. ઉલ્લેખનીય છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં સોનિયા ગાંધીએ રાયબરેલીથી જીત મેળવી હતી અને પાર્ટીની પરંપરાગત બેઠક બચાવી હતી. પરંતુ અમેઠીમાં કોંગ્રેસનો કિલ્લો ધ્વસ્ત થઈ ગયો. ભાજપની સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને હરાવ્યા હતા.


Google NewsGoogle News