મહારાષ્ટ્રમાં લઘુમતી-દલિતોના નામ વૉટર્સ લિસ્ટમાંથી કપાયા: રાહુલ ગાંધીનો EC પર ગંભીર આરોપ
Rahul Gandhi: લોકસભા નેતા પ્રતિપક્ષ અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે (7 ફેબ્રુઆરી) ગઠબંધન પાર્ટી સાથે જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સ કરી છે. રાહુલ ગાંધીએ આ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ગોટાળો થયો છે. આ સિવાય રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર પણ ગરબડનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ મતદારો વિશે વાત કરતાં કહ્યું કે, ‘મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મતદાર યાદીમાં ગરબડ જોવા મળી છે. અમારી ટીમ દ્વારા તેના પર કામ કરાયું છે, જેમાં અમને ઘણી અનિયમિતતા જોવા મળી છે.’
લઘુમતીઓના મત કાપવામાં આવ્યા
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મતદાર યાદીમાંથી લઘુમતીઓ અને દલિતોના વોટ કાપવામાં આવ્યા છે. મહારાષ્ટ્રની 3 મોટી પાર્ટી ચૂંટણી પંચ પાસે મતદાર યાદી માંગી રહી છે, જે અમને નથી આપી રહ્યાં.
મહારાષ્ટ્ર ચૂંટણીમાં ધાંધલીનો આરોપ લગાવતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પાસે જવાબ માંગ્યો. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં 2019 બાદ પાંચ વર્ષમાં 32 લાખ મતદાર જોડવામાં આવ્યા હતાં. પરંતુ, લોકસભા 2024 અને વિધાનસભા ચૂંટણીની વચ્ચે 39 લાખ મતદાર જોડવામાં આવ્યાં. પાંચ મહિનામાં આટલા મતદાર કેવી રીતે જોડાઈ ગયાં? હિમાચલ પ્રદેશ જેવા રાજ્યમાં કુલ જેટલાં મતદાર છે, તેટલાં મહારાષ્ટ્રમાં પાંચ મહિનાની અંદર જોડવામાં આવ્યા છે. આ મતદારો ક્યાંથી આવ્યાં?
મહારાષ્ટ્રમાં પુખ્ત વયની વ્યક્તિઓની વસતી 9.54 કરોડ છે. મહારાષ્ટ્રમાં મતદારોની વસ્તી રાજ્યની જનસંખ્યાથી વધારે કેવી રીતે થઈ ગઈ? મતદાર યાદીમાં ખામી જોવા મળી. અમે ચૂંટણી પંચને લોકસભા અને વિધાનસભા ચૂંટણીના અલગ-અલગ ફોટો લિસ્ટ ઈચ્છીએ છીએ. દલિત અને લઘુમતીઓના નામ યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે. ચૂંટણી પંચ અમારી ફરિયાદ પર પ્રતિક્રિયા નથી આપી રહ્યું. મહારાષ્ટ્રની ત્રણ વિપક્ષ ચૂંટણી પંચ પાસે પારદર્શકતાની અપેક્ષા રાખે છે.