‘રાહુલ ગાંધી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધાયો, ધરપકડ કરો’ NCPCRનો દાવો

2021માં સગીરા પર કથિત દુષ્કર્મ-હત્યાની ઘટના મામલે પીડિતની ઓળખ છતી કરવાનો કેસ

NCPCRએ કહ્યું કે, ‘મામલો ગંભીર, રાહુલ ગાંધીની વહેલીતકે ધરપકડ કરો’

Updated: Jan 24th, 2024


Google NewsGoogle News

‘રાહુલ ગાંધી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધાયો, ધરપકડ કરો’ NCPCRનો દાવો 1 - image

Rahul Gandhi POCSO Case : દિલ્હીના કેન્ટ વિસ્તારમાં 2021માં એક સગીરા પર કથિત દુષ્કર્મ અને હત્યા (Minor Rape And Murder Case)ની ઘટના બની હતી, જેમાં પીડિત અને તેના પરિવારની ઓળખ છતી કરવાના કેસમાં કોંગ્રેસ (Congress)ના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે (NCPCR) કહ્યું કે, પીડિત સગીરા અને તેના પરિવારની ઓળખ છતી કરવાના આરોપમાં દિલ્હી પોલીસે (Delhi Police) રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

‘મામલો ગંભીર, રાહુલ ગાંધીની વહેલીતકે ધરપકડ કરો’

આયોગના અધ્યક્ષ પ્રિયંક કાનૂનગોએ કહ્યું કે, રાહુલ ગાંધી સામેના આ કેસમાં છ મહિનાથી લઈને બે વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. તેમણે કહ્યું કે, ‘મામલો ગંભીર હોવાથી તેમની વહેલીતકે ધરપકડ થવી જોઈએ. આ કેસમાં દિલ્હી પોલીસે પહેલાથી જ વિલંબ કર્યો છે, તેથી વધુ વિલંબ ન કરવો જોઈએ.’

રાહુલ ગાંધીએ પોસ્ટ ડિલીટ કરી

બાર એન્ડ બેંચના જણાવ્યા મુજબ, આ મામલે સોશિયલ એક્ટિવિસ્ટ મકરંદ સુરેશ મ્હાદલેકર દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) બુધવારે સુનાવણી હાથ ધરી અરજીનો નિકાલ કર્યો હતો. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ મનમોહનની આગેવાની હેઠળની બેંચ સમક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘મેં મારા એક્સ એકાઉન્ટ પરથી પોસ્ટ હટાવી દીધી છે.’ મ્હાદલેકર અરજીમાં દલીલ કરી હતી કે, કોંગ્રેસ સાંસદે રાજકીય લાભ ખાંટવા તસવીર પોસ્ટ કરી હતી.

2021માં FIR નોંધાઈ હતી

પોલીસ રિપોર્ટને ધ્યાને રાખી પોલીસે કોર્ટમાં અરજીનો નિકાલ કરવા વિનંતી કરી હતી, કારણ કે મ્હાદલેકરે જે રાહત માંગી હતી, તે મળી ગઈ છે. પોલીસે કહ્યું કે, વીજળીના કરંટથી સગીરાનું મોત થયું હતું. તેણી પર દુષ્કર્મ અને હત્યા કરાઈ હોવાનું કોઈપણ વૈજ્ઞાનિક કારણ નથી. દિલ્હી પોલીસે રિપોર્ટમાં જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર-2021માં રાહુલ ગાંધી વિરુદ્ધ POCSO એક્ટની કલમ 23 અને ભારતીય દંડ સંહિતા હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, જેમાં તપાસ કરવામાં આવી હતી.


Google NewsGoogle News