'મારા લગ્નને લઈ લોકો 20-30 વર્ષથી પાછળ પડી ગયા છે'

Updated: Aug 30th, 2024


Google NewsGoogle News
'મારા લગ્નને લઈ લોકો 20-30 વર્ષથી પાછળ પડી ગયા છે' 1 - image


- કાશ્મીરીઓના સવાલ પર રાહુલ શરમાયા

- રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરના પ્રવાસમાં  કાશ્મીરી વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી

નવી દિલ્હી : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ક્યારે લગ્ન કરશે ?  લાંબા સમયથી આ સવાલ પૂછાઈ રહ્યો છે પણ કોઈ જવાબ મળતો નથી. હમણાં  શ્રીનગર ગયેલા રાહુલ ગાંધીને કાશ્મીરી વિદ્યાર્થીનીઓએ આ સવાલ પૂછી લેતાં આ મુદ્દો પાછો ચર્ચામાં આવી ગયો છે. 

રાહુલ કાશ્મીરી વિદ્યાર્થિનીઓના સવાલ પર શરમાઈ ગયા હતા અને પછી હસીને એમ કહીન વાતને ટાળી દીધી કે, હમણાં લગ્ન કરવાનો મારો કોઈ પ્લાન નથી, લગ્ન થાય તો ઠીક છે. રાહુલે સ્વીકાર્યું કે, છેલ્લાં ૨૦-૩૦ વર્ષથી તેમના પર લગ્નના મુદ્દે પ્રેશર ચાલુ જ છે પણ હવે પોતે આ પ્રેશરમાંથી બહાર નિકળી ગયા છે ને એ સારી વાત છે.

રાહુલ ગાંધીએ છોકરીઓને સવાલ કર્યો હતો કે, તમારા પર લગ્નનું કેવું દબાણ છે ? છોકરીઓએ એ પછી રાહુલને લગ્ન અંગે સવાલ કર્યા હતા. છોકરીઓએ રાહુલને પૂછયું હતું કે, તમે લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો ? રાહુલે કહ્યું કે, હું કોઈ પ્લાનિગં નથી કરી રહ્યો પણ લગ્ન થશે તો સારી વાત છે. જો કે મારાં લગ્ન થશે તો હું તમને જરૂર લગ્નમાં બોલાવીશ.

રાહુલ ગાંધી ગયા અઠવાડિયે જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે ગયા હતા. એ વખતે વિદ્યાર્થીઓ સાથે તેમણે જે ચર્ચા કરી એનો વિડિયો તેમણે યુટયુબ પર અપલોડ કર્યો છે. લગભગ ૧૧ મિનિટના વીડિયોમાં રાહુલ ગાંધી વિદ્યાર્ર્થિનીઓ સાથે જમ્મુ અને કાશ્મીરમાં વિદ્યાર્થીનીઓએ ભોગવવી પડતી તકલીફો, બેરોજગારી સહિતના મુદ્દે ચર્ચા કરી હતી. રાહુલ ગાંધી વીડિયોમાં નરેન્દ્ર મોદીની ટીકા કરતા પણ જોવા મળે છે. રાહુલે કહ્યું હતું કે, મોદી કોઈની વાત સાંભળતા નથી અને શરૂઆતથી જ માની લે છે કે પોતે સાચા છે. મને આવા માણસોથી સમસ્યા છે. તેમને કોઈ ભૂલ બતાવે તો મોદી સ્વીકારવા તૈયાર થતા નથી. આવી વ્યક્તિ હંમેશાં કોઈ ને કોઈ સમસ્યા પેદા કરે છે.

જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાની ખાતરી આપતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કાશ્મીરને  દિલ્હીથી કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે ચલાવવાનો કોઈ મતલબ નથી. ભારતના ઇતિહાસમાં પહેલી વાર એવું થયું છે કે કોઈ રાજ્યનો પૂર્ણ દરજ્જો છીનવીને એને કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજિત કરાયું છે. જે રીતે આ કરવામાં આવ્યું એ અમને પસંદ નથી.


Google NewsGoogle News