Get The App

ત્રીજા તબક્કાની ચૂંટણી પહેલા રાહુલ ગાંધીનો કાર્યકર્તાઓને પત્ર, કહ્યું- ‘હવે સમય આવી ગયો છે કે...’

Updated: May 6th, 2024


Google NewsGoogle News
ત્રીજા તબક્કાની ચૂંટણી પહેલા રાહુલ ગાંધીનો કાર્યકર્તાઓને પત્ર, કહ્યું- ‘હવે સમય આવી ગયો છે કે...’ 1 - image


Rahul Gandhi Letter To Congress Workers : લોકસભા ચૂંટણીના પ્રચાર વચ્ચે કોંગ્રસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પક્ષના કાર્યકર્તાઓને ખુલ્લો પત્ર લખ્યો છે. રાહુલે પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર નિશાન સાધ્યું છે. પત્રમાં રાહુલે કાર્યકર્તાઓને કહ્યું કે, ‘આ ચૂંટણી સામાન્ય ચૂંટણી નથી, રાજકીય પક્ષો વચ્ચેની લડાઈ નથી, પરંતુ લોકશાહી અને બંધારણને બચાવવાની લડાઈ છે.’ ઉલ્લેખનીય છે કે, આવતીકાલે ગુજરાતની 25 બેઠકો સહિત 93 બેઠકો પર મતદાન (Lok Sabha Election-2024 Third Phase Of Voting) થવાનું છે, તે પહેલા રાહુલ ગાંધીએ આ પત્ર જાહેર કર્યો છે.

‘અમે તમારા વગર વિજય મેળવી શકીશું નહીં’

રાહુલે પત્રમાં કહ્યું કે, ‘એક તરફ કોંગ્રેસ (Congress)નો પ્રેમ અને ન્યાયની વિચારધારા છે, તો બીજીતરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર (PM Narendra Modi)-ભાજપ (BJP)નો ડર, નફરત અને ભાગલાવાદી વિચારધારા છે. આ લડાઈની સૌથી મોટી તાકાત તમારા જેવા નિષ્ઠાવાન કાર્યકર્તાઓ છે. તમારા દિલ, વિચાર અને કાર્યોમાં કોંગ્રેસની વિચારધારા હોવાથી તમે ઉગ્ર અને નિર્ભય છો.’ રાહુલે પાર્ટીના કાર્યકર્તાઓને કરોડરજ્જુ ગણાવી કહ્યું કે, અમે તમારા વગર વિજય મેળવી શકીશું નહીં.

રાહુલે કાર્યકર્તાઓની ઈમાનદારી બદલ માન્યો આભાર

રાહુલ ગાંધી (Rahul Gandhi)એ કોંગ્રેસ પ્રત્યે ઈમાનદારી દાખવનાર કાર્યકર્તાઓનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, ‘અમે તમારા કારણે જ ભારતની જનતાની વાત સાંભળીને એક ક્રાંતિકારી ચૂંટણી ઢંઢેરો બનાવી શક્યા છીએ. આપણે ચૂંટણીના પ્રથમ બે તબક્કામાં ઘણો સંઘર્ષ કર્યો. આપણે ભાજપના જૂઠાણા અને ધ્યાન ભટકાવતા કાર્યનો વિરોધ કરવા માટે અને તે લોકોને જવાબ આપવા મજબૂર કરવા માટે સક્ષમ છીએ.’

ત્રીજા તબક્કાની ચૂંટણી પહેલા રાહુલ ગાંધીનો કાર્યકર્તાઓને પત્ર, કહ્યું- ‘હવે સમય આવી ગયો છે કે...’ 2 - image

‘આપણે વધુ એક મહિનો કડક મહેનત કરવાની છે’

તેમણે વધુમાં કહ્યું કે, ‘આપણે વધુ એક મહિનો કડક મહેનત કરવાની છે. હવે સમય આવી ગયો છે કે, આપણે ઘરે-ઘરે જઈશું અને કોંગ્રેસની ગેરેન્ટી અને સંદેશ અંગે માહિતી લોકોને પહોંચાડીશું. આપણે તમામ યુવાઓ, મહિલાઓ, શ્રમિકો, ખેડૂતો અને વંચિત પરિવારોના ઘર સુધી પહોંચવું પડશે. આપણે ભાજપની વિચારધારા અને તેમના નફરતભર્યા એજન્ડાથી ઉભા થનારા ખતરાને સ્પષ્ટ કરવાનો છે. હું આ લડાઈમાં મારું બધું જ આપી રહ્યો છું અને તમારી પાસે પણ આવી અપેક્ષા રાખું છું.’

આવતીકાલે 93 બેઠકો પર મતદાન

ઉલ્લેખનીય છે કે, ગુજરાતની 25 સહિત કુલ 93 બેઠક પર 7મી મે (મંગળવાર)ના રોજ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે, જેમાં આસામની ચાર, બિહારની પાંચ, છત્તીસગઢની સાત, ગોવાની બે, ગુજરાતની 25, કર્ણાટકની 14, મધ્ય પ્રદેશની આઠ, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, પશ્ચિમ બંગાળની ચાર, દાદરા નગર હવેલી અને દમણ દીવની બે અને જમ્મુ-કાશ્મીરના એક બેઠકનો સમાવેશ થાય છે. આ બેઠકો માટેનો પ્રચાર પડઘમ રવિવારે (5મી મે)એ સાંજે છ વાગ્યા બાદથી શાંત પડી ચૂક્યો છે. છેલ્લી ઘડી સુધી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ખુબ જોરશોરથી પ્રચાર કર્યો હતો. આ ચૂંટણીમાં 19 મહિલા સાથે કુલ 266 ઉમેદવારો મેદાનમાં છે.

ત્રીજા તબક્કામાં દિગ્ગજોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે

  • અમિત શાહ - ગાંધીનગર (ગુજરાત)
  • પરષોત્તમ રૂપાલા - રાજકોટ (ગુજરાત)
  • મનસુખ માંડવિયા - પોરબંદર (ગુજરાત)
  • જ્યોતિરાદિત્ય સિંધિયા - ગુના (મ.પ્રદેશ)
  • શિવરાજસિંહ ચૌહાણ - વિદિશા (મ.પ્રદેશ) 
  • દિગિગ્વિજયસિંહ - રાજગઢ (મધ્ય પ્રદેશ)
  • ડિમ્પલ યાદવ - મૈનપુરી (ઉત્તરપ્રદેશ)
  • અક્ષય યાદવ - ફિરોઝાબાદ (ઉત્તરપ્રદેશ)
  • આદિત્ય યાદવ - બુદૌન (ઉત્તરપ્રદેશ)
  • અધિરરંજન ચૌધરી - બહરામપુર (૫શ્વિમ બંગાળ)
  • બદરૂદ્દીન અજમલ - ધુબ્રી (આસામ)


Google NewsGoogle News