જુઠ્ઠાણું ફેલાવી રહી છે BJP: અમેરિકામાં શીખ ધર્મ વિશે આપેલા નિવેદન મુદ્દે રાહુલ ગાંધીની સ્પષ્ટતા
Rahul Gandhi on Sikhs comment: રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસને લઈને ભાજપ તેમના પર સતત પ્રહાર કરી રહી છે. ભાજપનો આરોપ છે કે, રાહુલ ગાંધીએ અનામત અને શીખો અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. હવે આ મુદ્દે પહેલી વખત રાહુલ ગાંધીએ સ્પષ્ટતા આપી છે. ભાજપ અમેરિકામાં આપેલા મારા નિવેદન અંગે જૂઠ્ઠાણું ફેલાવી રહી છે.
10 સપ્ટેમ્બરના રોજ રાહુલ ગાંધીએ વોશિંગ્ટન ડીસીમાં એક સભાને સંબોધિત કરતાં કહ્યું હતું કે, ભારતમાં શીખોને પાઘડી કે કડું પહેરવાની મંજૂરી આપવામાં આવશે કે નહીં અથવા શીખોને ગુરુદ્વારામાં જવાની મંજૂરી આપવામાં આવશે કે કેમ તે મુદ્દે ભારતમાં લડાઈ ચાલી રહી છે. અને આ તમામ ધર્મો માટે છે.
રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભાજપ સતત કોંગ્રેસ પર નિશાન સાધી રહી છે. ભાજપનું કહેવું છે કે કોંગ્રેસના સાંસદે શીખોનું અપમાન કર્યું છે. એટલું જ નહીં કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ તો રાહુલ ગાંધીને દેશના સૌથી મોટા આતંકવાદી ગણાવી દીધા છે. આ સમગ્ર વિવાદ વચ્ચે રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોતાના 10 સપ્ટેમ્બરના ભાષણનો વીડિયો અટેચ કરીને ભાજપ પર પલટવાર કર્યો છે.
કોંગ્રેસ નેતાએ આ પોસ્ટમાં લખ્યું કે, ભાજપ અમેરિકામાં આપેલા નિવેદન અંગે જૂઠ્ઠાણું ફેલાવી રહી છે. હું ભારત અને વિદેશમાં રહેતાં દરેક શીખ ભાઈ-બહેનોને પૂછવા માગુ છું કે, શું મેં જે કહ્યું એમાં કંઈ ખોટું છે? શું ભારત એવો દેશ ન હોવો જોઈએ કે જ્યાં દરેક શીખ અને દરેક ભારતીય કોઈ પણ ડર વિના પોતાના ધર્મનું પાલન કરી શકે? હંમેશાની જેમ ભાજપ જૂઠનો સહારો લઈ રહી છે. તેઓ મને ચૂપ કરાવવા માટે બેતાબ છે કારણ કે, તેઓ સત્ય સહન નથી કરી શકતા. પરંતુ હું હંમેશા એવા મૂલ્યો માટે બોલીશ જે ભારતને પરિભાષિત કરે છે. વિવિધતામાં જ આપણી એકતા, સમાનતા અને પ્રેમ છે.