'બિહારમાં થયેલી જાતિગત વસ્તી ગણતરી નકલી', રાહુલ ગાંધીનો નીતિશ કુમાર પર મોટો પ્રહાર
Rahul Gandhi Criticize Bihar Caste Census Report: કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી શનિવારે બિહારની રાજધાની પટણા પહોંચ્યા હતાં. જ્યાં તેઓએ પોતાના એક દિવસના પ્રવાસ દરમિયાન બંધારણની રક્ષાના વિષય પર આયોજિત એક સંમેલનમાં ભાગ લીધો હતો. આ દમિયાન રાહુલ ગાંધીએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર પણ જોરદાર પ્રહાર કર્યા હતાં. રાહુલ ગાંધીએ બિહાર સરકાર દ્વારા કરાવવામાં આવેલી જાતિગત વસ્તી ગણતરીને નકલી જણાવી હતી.
બિહારની જાતિગત વસ્તી ગણતરી નકલીઃ રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ પોતાના બિહાર પ્રવાસમાં કહ્યું કે, 'દેશની અંદર જાતિની વાસ્તવિક સ્થતિ જાણવી જરૂરી છે, મેં સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કહ્યું છે કે, તમારી સામે અમે જાતિગત વસ્તી ગણતરીને લોકસભા અને રાજ્યસભામાં પાસ કરાવીને બતાવીશું. જેનાથી જાણ થશે કે, કયા સેક્ટરમાં કયા વર્ગના કેટલાં લોકો છે? પરંતુ, અમે આ બિહાર જેવી નકલી જાતિગત વસ્તી ગણતરી નહીં કરાવીએ. કારણ કે, જાતિગત વસ્તી ગણતરી બાદ તમે શું એક્શન લો છો તે સૌથી જરૂરી છે. આ દેશ માટે એક્સ-રે અને MRI જેવું છે, જેનાથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. બાદમાં જાતીગત વસ્તી ગણતરીના આધારે પોલિસી બનવી જોઈએ.'
આ પણ વાંચોઃ આ રીતે નહીં ચાલે ગઠબંધન: ઉદ્ધવ ઠાકરેનો રાહુલ ગાંધી પર કટાક્ષ, વાજપેયીથી શીખવા સલાહ
સદાકત આશ્રમ જશે રાહુલ ગાંધી
રાહુલ ગાંધી પોતાની મુલાકાત દરમિયાન સદાકત આશ્રમ પણ જશે, જે બિહાર પ્રદેશ કોંગ્રેસ સમિતિનું મુખ્યાલય છે. ત્યાં તેઓ નવા સ્ટાફ ક્વાર્ટનું ઉદ્ઘાટન કરશે. આ સિવાય હાલમાં બનાવવામાં આવેલા ઑડિટોરિયમનું પણ લોકાર્પણ કરશે. આ ઑડિટોરિયમનું નામ તેમના દાદી અને પિતાના નામ પર રાખવામાં આવ્યું છે.
બિહાર કોંગ્રેસ નેતા સાથે બેઠક
જયપ્રકાશ નારાયણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સવારે પાંચ વાગ્યે પહોંચતા બિહાર કોંગ્રેસ અધ્યક્ષ અખિલેશ પ્રસાદ સિંહ અને અન્ય વરિષ્ઠ નેતાઓએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. રાહુલ ગાંધીનો આ પ્રવાસ ખાસ છે. કારણ કે, 2024ની લોકસભા ચૂંટણી બાદ બિહારમાં આ તેમનો પહેલો પ્રવાસ છે અને આ વર્ષે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાવાની છે. કોંગ્રેસ કાર્યકર્તા અને નેતાઓમાં રાહુલ ગાંધીના આ પ્રવાસને લઈને ઘણો ઉત્સાહ છે. માનવામાં આવી રહ્યું છે કે, આ મુલાકાત બિહારમાં પાર્ટીને મજબૂતી આપવા અને આગામી ચૂંટણી માટે વ્યૂહનીતિ ઘડવા માટે મહત્ત્વની રહેશે.
આ પણ વાંચોઃ દિલ્હીમાં ચૂંટણી જીતવા રાજકીય પક્ષોએ મહિલાઓ સામે ખોળો પાથર્યો, વાયદાઓની ભરમાર કરી
જેડીયુનો વળતો પ્રહાર
આ સિવાય રાહુલ ગાંધીના નિવેદન પર જેડીયુનીસ પ્રતિક્રિયા પણ સામે આવી છે. જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ રંજને કોગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, રાહુલ ગાંધી પાસે કોઈ નૈતિક અધિકાર નથી કે, તે બિહારમાં થયેલી જાતિગત વસ્તી ગણતરી પર સવાલ ઊભા કરે.'