'હવે ખબર પડી PM કેમ ગભરાય છે', હિંડનબર્ગ મામલે રાહુલ ગાંધીનો સવાલ- રોકાણકારોના પૈસા ધોવાયા તો જવાબદાર કોણ?
Hindenburg research Report : અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગના નવા રિપોર્ટ બાદ બિઝનેસજગત અને દેશના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ પર અદાણી સાથે સાંઠગાંઠનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકારને આકરા સવાલ કર્યા છે.
રાહુલ ગાંધીએ સરકારને કયા સવાલ પૂછ્યા?
- સેબીના ચેરપર્સન માધબી બુચે હજુ સુધી રાજીનામું કેમ નથી આપ્યું?
- જો રોકાણકારો પોતાની મહેનતની કમાણી ગુમાવે છે તો કોણ જવાબદાર? પીએમ મોદી, સેબી ચેરપર્સન કે પછી અદાણી?
- નવા આરોપો બાદ શું સુપ્રીમ કોર્ટ આ મામલે તપાસ કરાવશે?
રાહુલ ગાંધીએ કહ્યું છે, કે 'હવે ખબર પડી ગઈ છે કે વડાપ્રધાન મોદી JPC તપાસથી આટલા કેમ ગભરાય છે. આનાથી સત્ય બહાર આવી શકે છે.'
શેરબજારમાં જોખમ: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ એક વીડિયો શેર કરીને કહ્યું છે, કે 'કલ્પના કરો કે ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે મેચ ચાલી રહી છે. મેચ જોનારા, મેચ રમનારા સૌ કોઈ જાણતું હોય કે અમ્પાયર ન્યાયસંગત નથી. તો શું મેચ થઈ શકશે? મેચમાં ભાગ લેનાર વ્યક્તિ તરીકે તમને કેવું લાગશે? ભારતીય શેરબજાર બિલકુલ આ જ ચાલી રહ્યું છે. છેલ્લા વર્ષોમાં મોટી સંખ્યામાં લોકો શેર બજારમાં રોકાણ કરી રહ્યા છે. ઈમાનદારીથી બચત કરેલા રૂપિયા શેર બજારમાં લગાવી રહ્યા છે. વિપક્ષ નેતા રૂપે મારી ફરજ છે કે હું તમારું ધ્યાન દોરું કે શેર બજાર જોખમભર્યું છે કારણ કે શેર બજારને નિયંત્રિત કરતી સંસ્થા સાથે સમજૂતી કરાઇ છે.'
>નોંધનીય છે કે 10મી ઓગસ્ટે હિંડનબર્ગ રિસર્ચ દ્વારા સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા. હિંડનબર્ગ દાવો હતો કે અદાણી ગ્રૂપ સાથે જોડાયેલી ઑફશોર કંપનીમાં માધબી પુરી બુચ અને તેમના પતિની ભાગીદારી હતી.
સેબીમાં જોડાયાના બે વર્ષ પહેલા કર્યું હતું રોકાણ: બુચ
શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચે અદાણી સાથે સાંઠગાંઠના આરોપ પર માધબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચે વિસ્તૃત જવાબ આપ્યો છે. નવા જવાબમાં બુચ દંપત્તિએ કહ્યું છે કે હિંડનબર્ગ દ્વારા જે ફંડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે રોકાણ તેમણે વર્ષ 2015માં કર્યું હતું. ત્યારે તેઓ બંને (માધબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચ) સિંગાપોરના નાગરિક હતા અને SEBIમાં જોડાયાના બે વર્ષ પહેલા આ રોકાણ કરવામાં આવ્યું હતું.
મિત્રની સલાહથી રોકાણ કર્યું: બુચ
વધુમાં જણાવતા બુચ દંપત્તિએ કહ્યું છે કે આ રોકાણ તેમણે ધવલના ખાસ મિત્ર તથા ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર અનિલ આહુજાની સલાહ પર કર્યું હતું. અનિલ આહુજા બાળપણથી લઈને IIT સુધી ધવલ બુચના મિત્ર હતા. અનિલ આહુજાએ સિટીબેન્ક, જે પી મોર્ગન તથા 3i ગ્રૂપ જેવી સંસ્થાઓમાં કામ કર્યું છે. બુચ દંપત્તિનો દાવો છે કે જ્યારે વર્ષ 2018માં તેમને જાણ થઈ કે આહુજાએ ફંડના CIO રૂપે પદ છોડી દીધું છે ત્યારે તેમણે પણ પોતાનું રોકાણ પાછું ખેંચી લીધું હતું. આ ફંડનો ક્યારેય અદાણીની કોઈ કંપનીના બોન્ડ કે ઈક્વિટીમાં ઉપયોગ કરાયો નથી.
અમારા કોઈ કોમર્શિયલ સંબંધ નથી: અદાણી
હિંડનબર્ગના આરોપો પર અદાણી ગ્રૂપ દ્વારા પણ જવાબ આપવામાં આવ્યો છે. અદાણીએ પણ આરોપો નકારીને કહ્યું છે કે અગાઉ તપાસ થઈ ચૂકી છે અને તમામ આરોપ આધારહીન સાબિત થઈ ચૂક્યા છે. સુપ્રીમ કોર્ટે માર્ચ 2023માં જ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. ગ્રૂપનું કહેવું છે કે તેમના ઓવરસીઝ હોલ્ડિંગ સ્ટ્રક્ચરમાં પારદર્શિતા છે અને સમય સમય પર પબ્લિક ડોક્યુમેન્ટના માધ્યમથી જાણકારીઓ આપવામાં આવે છે. રિપોર્ટમાં જે લોકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમની સાથે અમારા કોઈ જ કોમર્શિયલ સંબંધ નથી.