Get The App

'વળતર અને વીમામાં મોટું અંતર...' અગ્નિવીર વિવાદ વચ્ચે રાહુલ ગાંધીએ ફરી સરકારને ઘેરી

Updated: Jul 6th, 2024


Google NewsGoogle News
'વળતર અને વીમામાં મોટું અંતર...' અગ્નિવીર વિવાદ વચ્ચે રાહુલ ગાંધીએ ફરી સરકારને ઘેરી 1 - image


Rahul Gandhi on Agniveer | લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એક વીડિયો જાહેર કરીને કહ્યું કે શહીદ અગ્નવીર અજય કુમારના પરિવારને હજુ સુધી સરકાર તરફથી કોઈ વળતર મળ્યું નથી. તેમણે કહ્યું કે વળતર અને વીમામાં મોટો તફાવત હોય છે. શહીદના પરિવારને વીમા કંપની દ્વારા જ ચૂકવણી કરવામાં આવી છે.  શહીદ અજય કુમારના પરિવારને સરકાર તરફથી જે સહાય મળવી જોઈતી હતી તે તો મળી જ નથી.

દરેક શહીદનું સન્માન કરો : રાહુલ ગાંધી 

કોંગ્રેસ સાંસદે કહ્યું કે દેશ માટે પોતાનો જીવ આપનાર દરેક શહીદના પરિવારનું સન્માન થવું જોઈએ, પરંતુ મોદી સરકાર તેમની સાથે ભેદભાવ કરી રહી છે. સરકાર ગમે તે કહે, આ રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે અને હું તેને ઉઠાવતો રહીશ. I.N.D.I.A. ગઠબંધન સેનાને ક્યારેય નબળી પડવા નહીં દે.

રાહુલ ગાંધીએ રાજનાથ પર લગાવ્યા આરોપ તો સૈન્યએ આપ્યો જવાબ 

આ પહેલા 3 જુલાઈના રોજ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ શહીદ અગ્નિવીરોના પરિવારોને વળતરના મુદ્દે સંસદમાં ખોટું બોલ્યા હતા. તેમણે આ માટે માફી માંગવી જોઈએ. ત્યારપછી ભારતીય સેનાના એડીજી પીઆઈનું નિવેદન સામે આવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પરની કેટલીક પોસ્ટ્સથી જાણવા મળ્યું છે કે અગ્નિવીર અજય કુમારના પરિવારના સભ્યોને વળતર આપવામાં આવ્યું નથી, જેમણે ફરજ પર પોતાનો જીવ ગુમાવ્યો હતો.

સૈન્યએ શું જવાબ આપ્યો? 

ADG PIએ કહ્યું હતું કે ભારતીય સેના અગ્નિવીર અજય કુમાર દ્વારા કરવામાં આવેલા સર્વોચ્ચ બલિદાનને સલામ કરે છે. તેમને સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. શહીદ અગ્નિવીર અજયના પરિવારજનોને 98.39 લાખ રૂપિયાની ચૂકવણી કરી દેવામાં આવી છે. ADG PIએ જણાવ્યું હતું કે અગ્નિવીર યોજનાની જોગવાઈઓ મુજબ આશરે 67 લાખ રૂપિયાની નાણાકીય સહાય અને અન્ય લાભો પોલીસ વેરિફિકેશન બાદ ચૂકવવામાં આવશે. કુલ રકમ અંદાજે રૂ. 1.65 કરોડ થશે. નિવેદનમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે અગ્નિવીર સહિત શહીદ થયેલા જવાનોના પરિવારોને વહેલી તકે આર્થિક સહાય ચૂકવવામાં આવે.

'વળતર અને વીમામાં મોટું અંતર...' અગ્નિવીર વિવાદ વચ્ચે રાહુલ ગાંધીએ ફરી સરકારને ઘેરી 2 - image


Google NewsGoogle News