સૌથી ખતરનાક, કડવો અને ઝેરીલા માણસ છે રાહુલ ગાંધી: કંગનાએ ફરી ઝેર ઓક્યું

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
સૌથી ખતરનાક, કડવો અને ઝેરીલા માણસ છે રાહુલ ગાંધી: કંગનાએ ફરી ઝેર ઓક્યું 1 - image


Kangana Ranaut Target Rahul Gandhi: હિમાચલ પ્રદેશની મંડી સાંસદ અને એકટ્રેસ કંગના રનૌતે અદાણી ગ્રુપ અને સેબી ચીફ પર હિંડનબર્ગના આરોપોને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. કંગના રનૌતે લોકસભામાં વિપક્ષના નેતાને સૌથી ખતરનાક, કડવા, ઝેરી અને વિનાશક વ્યક્તિ ગણાવ્યા છે. 

થોડા મહિના પહેલા જ બોલિવૂડમાંથી રાજકારણમાં પ્રવેશેલી કંગનાએ આરોપ લગાવ્યો કે, રાહુલ ગાંધી દેશની સુરક્ષા અને અર્થવ્યવસ્થાને અસ્થિર કરવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે. કંગનાની આ ટિપ્પણી રાહુલ ગાંધી દ્વારા સરકાર પરના તાજેતરના હુમલાના જવાબમાં આવી છે.

કંગના રનૌતે સોમવારે સવારે ટ્વિટર પર ટ્વીટ કરતાં લખ્યું કે, 'રાહુલ ગાંધી સૌથી ખતરનાક માણસ છે, તે કડવા, ઝેરી અને વિનાશક છે. તેમનો એજન્ડા છે કે, જો તેઓ વડાપ્રધાન ન બની શકે તો આ દેશને બરબાદ કરી શકે છે. દેશના શેરબજારને ટાર્ગેટ કરતો  હિંડનબર્ગ રિપોર્ટ નકામો સાબિત થયો છે. રાહુલ ગાંધીએ ગઈકાલ રાત્રે તેને સમર્થન આપ્યું હતું. રાહુલ, આખી જિંદગી વિપક્ષમાં બેસવા માટે તૈયાર રહો.’ કંગનાએ પોતાની આ પોસ્ટ સાથે હિંડનબર્ગ અને સેબી હેશટેગનો ઉપયોગ કર્યો છે.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિંડનબર્ગના દાવા અંગે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ એક પોસ્ટ શેર કરતાં લખ્યુ કે, દેશભરના નાના રિટેલ રોકાણકારોની સંપત્તિની સુરક્ષાનું દાયિત્વ ધરાવતા સેબીની શાખ પર અને સેબીના વડા સામે ચિંધાયેલી આંગળી અનેક સવાલો ઉભા કરે છે. રોકાણકારોનો વિશ્વાસ પણ ડગમગ્યો છે. દેશભરના ઇમાનદાર રોકાણકારોના મનમાં સરકાર માટે ઘણા સવાલો છે: સેબીના ચેરપર્સન માધવી પુરી બુચે હજુ સુધી રાજીનામું કેમ આપ્યું નથી? જો રોકાણકારોની મહેનતની મહામૂલીની કમાણી ધોવાઇ જાય તો તેના માટે કોણ જવાબદાર રહેશે - વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સેબીના ચેરમેન કે ગૌતમ અદાણી?

આ પણ વાંચો: રાહુલ ગાંધીની ભવિષ્યવાણી સાચી ઠરશે! ટૂંક સમયમાં ED આ મામલે પૂછપરછ માટે બોલાવવાની તૈયારીમાં

ગાંધીએ પૂછ્યું કે, ‘શું પ્રકાશમાં આવેલા નવા અને 'ખૂબ ગંભીર' આરોપોને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટ આ મામલે સુઓમોટો લઇને ફરી તપાસ કરશે. હવે સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ ગયું છે કે, વડાપ્રધાન મોદી JPC (સંયુક્ત સંસદીય સમિતિ)ની તપાસથી આટલા કેમ ડરે છે અને તેનાથી શું બહાર આવી શકે છે.' કોંગ્રેસના નેતાએ આ મુદ્દે એક વીડિયો નિવેદન પણ પોસ્ટ કર્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે વિપક્ષના નેતા તરીકે, તેમની ફરજ છે કે લોકોના ધ્યાન પર લાવે કે ભારતીય શેરબજારમાં 'ઘણું જોખમ' છે અને તેની રેગ્યુલેટરી સંસ્થા સેબીએ જ સેટલમેન્ટ કરી લીધુ છે. 

રાહુલે વીડિયોમાં એક ઉદાહારણ આપતા સમજાવ્યુ કે,'કલ્પના કરો કે તમે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ જોઈ રહ્યા છો અને મેચ જોનાર અને રમનાર દરેક વ્યક્તિ જાણે છે કે, અમ્પાયરે ધાંધલબાજી માટે સેટલમેન્ટ કરી લીધુ છે. તો શું મેચ નિષ્પક્ષ રમાશે? પરિણામ શું આવશે? મેચમાં રમનાર ખેલાડી તરીકે તમને કેવું લાગશે?’ કોંગ્રેસ નેતાએ કહ્યું કે ભારતીય શેરબજારમાં આવું જ થઈ રહ્યું છે.


Google NewsGoogle News