'RSS પ્રમુખનું નિવેદન રાજદ્રોહ સમાન, કોઈ અન્ય દેશમાં હોત તો ધરપકડ થઇ હોત': રાહુલ ગાંધી
Rahul Gandhi Blames On Mohan Bhagwat: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરએસએસ ચીફ મોહન ભાગવત પર રાજદ્રોહનો આરોપ મૂક્યો છે. મોહન ભાગવતે રામ મંદિર બન્યા બાદ દેશને સાચી સ્વતંત્રતા મળી હોવાનું નિવેદન આપતાં રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો હતો કે, ‘આવુ કહેવું એ દરેક ભારતીયનું અપમાન છે. જો કોઈ બીજા દેશમાં મોહન ભાગવતે આ પ્રકારનું નિવેદન આપ્યું હોત તો તેમની ધરપકડ કરવામાં આવી હોત.’
ભાગવતે એક સમારોહમાં નિવેદન આપ્યું હતું કે, ‘અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની તિથિને ‘પ્રતિષ્ઠા દ્વાદશી’ તરીકે ઉજવવી જોઈએ. કારણકે અનેક સદીઓથી દુશ્મનોના આક્રમણનો સામનો કરનારા ભારતની આ દિવસે સાચા અર્થમાં સ્વતંત્રતા પ્રતિષ્ઠિત થઈ હતી. અગાઉ સ્વતંત્રતા હતી પરંતુ સાચા અર્થમાં પ્રતિષ્ઠિત થઈ ન હતી.'
ભાગવતનું નિવેદન રાજદ્રોહ સમાન
રાહુલ ગાંધીએ જણાવ્યું કે, ‘ભાગવતે જે કહ્યું તે રાજદ્રોહ સમાન છે. તેમના આ નિવેદનનો અર્થ થાય છે કે, બંધારણ ગેરકાયદેસર છે, અંગ્રેજો વિરૂદ્ધની લડાઈ ગેરકાયદે છે. કોઈ અન્ય દેશમાં આ પ્રકારનું નિવેદન આપ્યુ હોત તો તેમની ધરપકડ થઈ હોત અને તેમના પર કેસ ચલાવવામાં આવતો.’
દરેક ભારતીયનું અપમાન
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, ‘ભાગવતનું આ નિવેદન દરેક ભારતીયનુ અપમાન છે. હવે સમય આવી ગયો છે, આ પ્રકારની વાહિયાત વાતો સાંભળવાનું બંધ કરવુ જોઈએ. બે વિચારધારા વચ્ચેની લડાઈ છે. અમારો વિચાર બંધારણનો વિચાર છે, જ્યારે આરએસએસની વિચારધારા તેનાથી વિપરિત છે.’
આરએસએસ અને ભાજપના એજન્ડાને અટકાવશે
રાહુલ ગાંધીએ ઈન્દિરા ભવન નામથી કોંગ્રેસના નવા મુખ્યાલયનું ઉદ્ધાટન કરતાં આ અંગે જણાવ્યું હતું કે, ‘એકમાત્ર કોંગ્રેસ જ એવો પક્ષ છે કે, જે ભાજપ અને આરએસએસના એજન્ડાને અટકાવી શકે છે. કારણકે, કોંગ્રેસ એક જ વિચારધારા ધરાવતો પક્ષ છે. આજે તમામ તપાસ એજન્સીઓનું કામ માત્ર વિપક્ષના નેતાઓને ઘેરી તેમને જેલ મોકલવા સુધી જ સીમિત છે. ચૂંટણી પંચ પણ સરકારના ઈશારા પર ચાલે છે. તેમની પાસે મહારાષ્ટ્ર અને હરિયાણા ચૂંટણીનો ડેટા માંગ્યો તો તેમણે આપવાથી ઈનકાર કરી દીધો. હવે અમે કેવી રીતે વિશ્વાસ કરીએ કે, ઈલેક્ટોરલ સિસ્ટમ યોગ્ય છે.’
આ પ્રકારના નિવેદનોથી ભાગવત મુશ્કેલીમાં મુકાશે
કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે,’મોહન ભાગવત આ પ્રકારના જ નિવેદનો આપતા રહ્યા તો દેશમાં તેમનું હરવુ-ફરવું બંધ થઈ જશે. આરએસએસ અને ભાજપના લોકોને 1947માં મળેલી આઝાદી યાદ નથી. કારણકે, તેમના વૈચારિક પૂર્વજોએ સ્વતંત્રતા આંદોલનમાં કોઈ યોગદાન આપ્યુ નથી. આઝાદી માટે તેઓ ક્યારેય લડ્યા નથી, જેલ ગયા નથી. તેમને આઝાદી વિશે કંઈ જ યાદ નથી. અમારા લોકોએ આઝાદી માટે જીવ આપ્યો છે. હું ભાગવતના નિવેદનની નિંદા કરૂ છું. અને આ પ્રકારના નિવેદનો આપતાં રહ્યા તો તેમનું દેશમાં હરવુ-ફરવુ મુશ્કેલ બનશે.’