'ગરીબ, ખેડૂત, દલિત સાથે અન્યાય', ભારત જોડો ન્યાય યાત્રાના સમાપનમાં રાહુલ ગાંધી
Nyay Sankalp Padyatra: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે (રવિવારે) દક્ષિણ મુંબઈમાં મહાત્મા ગાંધીના ઘર મણિ ભવનથી ન્યાય સંકલ્પ પદયાત્રાની શરૂઆત કરી હતી. આ યાત્રામાં પ્રિયંકા ગાંધી વાડ્રા, સ્વરા ભાસ્કર અને મહાત્મા ગાંધીના પૌત્ર તુષાર ગાંધી સહિત કોંગ્રેસના ઘણાં સમર્થકોએ જોડાયા હતા. આ યાત્રા ઓગસ્ટ ક્રાંતિ મેદાન સુધી ચાલી હતી, જ્યાં 1942માં બ્રિટિશરોથી ભારતની સ્વતંત્રતાની લડાઈ દરમિયાન ભારત છોડો આંદોલન શરૂ થયું હતું.
'ગરીબ અને યુવાનો સાથે અન્યાય'
ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, 'જો ભારત પ્રેમનો દેશ છે, તો નફરત શા માટે ફેલાવવામાં આવી રહી છે. અમ કહીએ છીએ કે ભાજપ નફરત ફેલાવે છે પરંતુ આ નફરતનો કોઈ આધાર હોવો જાઈએ, તે આ નફરતનો આધાર અન્યાય છે, આ દેશમાં ગરીબો, ખેડૂતો, દલિતો, મહિલાઓ અને યુવાનો સાથે દરરોજ અન્યાય થઈ રહ્યો છે. સૌથી વધુ પાંચ ટકા લોકો એવા છે જેમને ન્યાય મળે છે. કોર્ટ, સરકાર અને અન્ય તમામ સંસ્થાઓ તેમના માટે કામ કરે છે, પરંતુ જો આપણે બાકીની 90 ટકા વસ્તીને જોઈએ તો તેઓ અન્યાયને કારણે પીડાઈ રહ્યા છે.'
વિપક્ષી જૂથ શક્તિ પ્રદર્શન કરશે
ન્યાય સંકલ્પ પદયાત્રામાં વિપક્ષી ઈન્ડી બ્લોકના કેટલાક સભ્યો પણ રાહુલ ગાંધી સાથે જોડાયા હતા. વિપક્ષી ઈન્ડી જૂથ શક્તિ પ્રદર્શન માટે રવિવારે સાંજે રેલીનું આયોજન કરશે. આ કાર્યક્રમમાં તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન, આરજેડી નેતા તેજસ્વી યાદવ અને સપાના વડા અખિલેશ ભાગ લેવાના છે.
ભારત જોડો ન્યાય યાત્રાનું સમાપન
રાહુલ ગાંધીએ શનિવારે મધ્ય મુંબઈમાં તેમના સ્મારક 'ચૈત્યભૂમિ' ખાતે ડો. બી.આર. આંબેડકરને શ્રદ્ધાંજલિ આપીને અને બંધારણની પ્રસ્તાવના વાંચીને તેમની 63 દિવસીય 'ભારત જોડો ન્યાય યાત્રા'નું સમાપન કર્યું હતું. આ યાત્રા 14મી જાન્યુઆરીએ સંઘર્ષગ્રસ્ત મણિપુરથી શરૂ થઈ હતી.