'પપ્પુ નથી રાહુલ ગાંધી, તે વ્યૂહનીતિકાર અને ભણેલા-ગણેલા છે...' દિગ્ગજ નેતાનું નિવેદન
Image: Facebook
Sam Pitroda Statement: લાંબા સમયથી ગાંધી પરિવારના સલાહકાર રહી ચૂકેલા અને ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેન સામ પિત્રોડાએ એકવાર ફરી રાહુલ ગાંધીના ખૂબ વખાણ કર્યાં છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીનો એજન્ડા મોટા મુદ્દાઓને ઉકેલવાનો છે. તેમની પાસે તેવું વિઝન છે, જે માટે ભાજપ કરોડો રૂપિયા ખર્ચ કરે છે.
પિત્રોડાએ ટેક્સાસમાં કહ્યું કે 'હું તમને જણાવી દઉં કે રાહુલ ગાંધી પપ્પુ નથી પરંતુ તે ખૂબ ભણેલા-ગણેલા છે. તે રણનીતિકાર છે, જેમનો કોઈ પણ વિષય પર ઊંડો અભ્યાસ છે. તે ખૂબ ભણેલા-ગણેલા અને સમજદાર વ્યક્તિ છે. ભાજપ તેમના વિશે છેલ્લા દસ વર્ષથી જે કહી રહી છે પરંતુ મને રાહુલ પર પૂર્ણ વિશ્વાસ છે. ભારતને જુમલાની નહીં પરંતુ મોર્ડન વિચાર અને યુવા નેતાઓની જરૂર છે.'
રાહુલ ગાંધી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસ પર છે. તેમણે પોતાની અમેરિકી યાત્રાના પહેલા દિવસે આઠ સપ્ટેમ્બરે ડલાસમાં યુનિવર્સિટી ઓફ ટેક્સાસના વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદો સાથે વાતચીત કરી. આ સાથે જોડાયેલા એક કાર્યક્રમમાં સામ પિત્રોડાએ ભારતને લઈને રાહુલ ગાંધીના વિઝન પર વાત કરી.
પિતા રાજીવની તુલનામાં રાહુલ વધુ બુદ્ધિશાળી
આ પહેલા સામ પિત્રોડાએ કહ્યું હતું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતાના પિતા રાજીવ ગાંધીની તુલનામાં વધુ બુદ્ધિશાળી અને રણનીતિકાર છે. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે રાહુલ ગાંધીમાં ભવિષ્યના વડાપ્રધાન બનવાના તમામ ગુણ છે. તેમણે સાથે જ ભાજપની તે ટિપ્પણીઓને ખોટી ગણાવી હતી, જેમાં આરોપ લગાવાયો હતો કે રાહુલ ગાંધી વિદેશ યાત્રાઓ પર દેશનું નામ ખરાબ કરે છે. સામ પિત્રોડાએ કહ્યું કે, 'મે ઘણા વડાપ્રધાનો સાથે ખૂબ નજીકથી કામ કર્યું છે, જેમ કે રાજીવ ગાંધી, પીવી નરસિમ્હા રાવ, મનમોહન સિંહ, વીપી સિંહ, ચંદ્રશેખર અને એચડી દેવગૌડા પરંતુ રાહુલ અને રાજીવની વચ્ચે અંતર એ હોઈ શકે છે કે રાહુલ બુદ્ધિશાળી અને વિચારક છે જ્યારે રાજીવ થોડા વધુ કાર્યકર્તા હતાં. બંનેની પાસે એક જ ડીએનએ છે. તે હકીકતમાં એક શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરવામાં વિશ્વાસ કરે છે.'