‘આતંકીઓ સમાજના ભાગલા પાડવા માંગે છે’ શ્રીનગરમાં બોલ્યા રાહુલ ગાંધી, પહલગામ હુમલાના પીડિતોને પણ મળ્યા
Rahul Gandhi In Jammu and Kashmir : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો થયા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે શ્રીનગરની મુલાકાતે ગયા છે. આ દરમિયાન તેમણે હુમલાના પીડિતો સાથે મુલાકાત કરી છે. તેમણે કહ્યું કે, ‘આતંકવાદીઓનો ઇરાદો સમાજમાં ભાગલા પડાવવાનો છે અને આપણે આતંકવાદીઓને સફળ થવા દેવાના નથી. હું તમામને કહેવા માંગું છું કે, આખો દેશ એક થઈને ઊભો છે. જે કાંઈ પણ થયું, તેની પાછળ સમાજના ભાગલા પાડવાનું ષડયંત્ર છે.
ઘટના પાછળ સમાજના ભાગલા પાડવાનું ષડયંત્ર : રાહુલ
તેમણે કહ્યું કે, ‘જમ્મુ-કાશમીરમાં અમારા ભાઈ-બહેનો પર કેટલાક લોકો હુમલો કરી રહ્યા છે, તે જોઈને મને દુઃખ થયું છે. જે કંઈપણ થયું તેની પાછળ સમાજના ભાગલા પાડવાનું ષડયંત્ર છે. મેં ઈજાગ્રસ્ત થયેલા લોકોમાંથી એક પીડિત સાથે મુલાકાત કરી. મેં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને એલજી મનોજ સિન્હા સાથે પણ મુલાકાત કરી. મારો પ્રેમ અને સ્નેહ હુમલામાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારના સભ્યો સાથે છે. ગઈકાલે અમારી અને કેન્દ્ર સરકાર વચ્ચે બેઠક યોજાઈ હતી. અમે સરકારને તમામ પગલાં ભરવા માટે સમર્થન આપ્યું છે.’
‘જમ્મુ-કાશ્મીરના તમામ લોકોએ હુમલાની નિંદા કરી’
તેમણે કહ્યું કે, ‘હું અહીં એ જાણવા આવ્યો છું કે, અહીં પર શું થઈ રહ્યું છે. જમ્મુ-કાશ્મીરના તમામ લોકોએ હુમલાની નિંદા કરી છે અને આખા દેશે તેમને સમર્થન આપ્યું છે. હું તમામને કહેવા માંગું છું કે, આતંકવાદીઓ દ્વારા થઈ રહેલા પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે આખો દેશ એકજૂટ થઈને ઊભો છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે, તમામ ભારતીયો એક થયા છે.’
રાહુલે CM અબ્દુલા સાથે પણ કરી મુલાકાત
રાહુલ ગાંધીએ આજે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા (CM Omar Abdullah) સાથે મુલાકાત કરી અને પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા અંગે ચર્ચા કરી હતી. અધિકારીઓએ કહ્યું કે, રાહુલ ગાંધીએ પહેલા અહીં સેનાની હૉસ્પિટલમાં ઈજાગ્રસ્ત પ્રવાસીઓ સાથે વાતચીત કરી હતી, ત્યારબાદ તેમણે મુખ્યમંત્રી સાથે તેમના નિવાસ્થાને મુલાકાત કરી હતી.
રાહુલ ગાંધી યુએસ પ્રવાસ ટૂંકાવી તાત્કાલિક ભારત આવ્યા
તેમની મુલાકાતનો ઉદ્દેશ્ય પીડિતો અને તેમના પરિવારો સાથે એકતા વ્યક્ત કરવાનો છે. રાહુલ ગાંધી ગુરુવારે કોંગ્રેસ કાર્યકારી સમિતિની એક મહત્ત્વપૂર્ણ બેઠકમાં હાજરી આપવા માટે પોતાનો અમેરિકાનો પ્રવાસ ટૂંકાવી તાત્કાલિક પરત આવ્યા હતા. તેમણે સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં ભાગ લીધો હતો. બેઠકમાં આ આતંકવાદી હુમલા વિશે તમામ પક્ષોને માહિતી અપાઈ હતી. સર્વપક્ષીય બેઠક બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે, આતંકવાદી હુમલા અંગે સરકાર દ્વારા લેવામાં આવેલા દરેક પગલાને અમારું સમર્થન છે.
આ પણ વાંચો : પાકિસ્તાનીઓને શોધી પાછા મોકલો: ભારતના તમામ મુખ્યમંત્રીઓને ગૃહ વિભાગનો આદેશ
સર્વપક્ષીય બેઠક બાદ રાહુલ ગાંધીએ શું કહ્યું?
રાહુલ ગાંધી(Rahul Gandhi)એ બેઠકમાં હાજરી આપ્યા બાદ મીડિયાને કહ્યું કે, તમામ પક્ષોએ આ આતંકવાદી હુમલાની નિંદા કરી છે. આતંકવાદ સામે સમગ્ર વિપક્ષ સરકારની સાથે છે. આ મામલે સરકાર ગમે તે પગલાં લે, વિપક્ષ સરકારની સાથે ઊભો છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક લગભગ અઢી કલાક ચાલી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા. બધા પક્ષોએ પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી છે.
26 પ્રવાસીઓના મોતથી દેશમાં રોષ
ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલ મંગળવારે દક્ષિણ કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં આતંકવાદીઓએ ક્રૂરતાની હદ વટાવી પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કરી 26 પ્રવાસીઓની હત્યા કરી હતી. સેનાના વેશમાં આવેલા આતંકીઓે બેસરન ખીણમાં આવી પ્રવાસીઓને પહેલા ધર્મ પૂછ્યો, આઇડી જોયું અને પછી હિન્દુ છો, કહીને ગોળીબાર કર્યો હતો. 26 મૃતકોમાં મોટાભાગના પ્રવાસીઓ છે, જ્યારે બે વિદેશી અને બે સ્થાનિક નાગરિકો સામેલ છે. આ ઘટના બાદ દેશભરમાં રોષ ભભુક્યો છે અને તમામ લોકો આતંકીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. વિશ્વભરમાં પણ આતંકી હુમલાની નિંદા કરવામાં આવી છે.