'યુપીનું ભવિષ્ય દારૂ પીને નશામાં નાચી રહ્યું છે', રાહુલ ગાંધીનું વિવાદાસ્પદ નિવેદન
રાહુલ ગાંધીએ પેપર લીક, મનરેગા, અયોધ્યા રામ મંદિર માલે સરકાર પર સાધ્યું નિશાન
રાબરેલીમાં રાહુલના સંબોધન વખતે ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ
Rahul Gandhi Speech : કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyay Yatra) આજે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના રાયબરેલીમાં પહોંચ્યા બાદ રાહુલ ગાંધીએ વિવાદાસ્પદ નિવેદન કરી ઉત્તર પ્રદેશનું ભવિષ્ય દારૂ પીને નશામાં નાચી રહ્યું હોવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે, ‘દેશમાં તમારું કોઈ કામ બચ્યું નથી. હું વારાણસી ગયો, ત્યારે મેં રાત્રે જોયું કે, બેન્ડવાજા વાગી રહ્યા છે અને દારૂના નશામાં રોડ પર આળોટતું યુપીનું ભવિષ્ય નાચી રહ્યું છે, જ્યારે બીજીતરફ રામ મંદિરમાં વડાપ્રધાન મોદી, અંબાણી અને ભારતના અબજોપતિ જોવા મળી રહ્યા છે.’
કેટલાક લોકોને કંઈપણ કર્યા વગર નોકરી મળી જાય છે : રાહુલ ગાંધી
તેમણે કહ્યું કે, ‘દેશમાં બાળકોને કહેવામાં આવે છે કે, ભણો તો નોકરી મળશે. ભણતરમાં લાખો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ જ્યારે બાળકો પરીક્ષા આપે છે, તો પેપર લીક થઈ જાય છે. તમને નોકરી મળતી નથી, પરંતુ કેટલાક લોકોને કંઈપણ કર્યા વગર નોકરી મળી જાય છે, આ છે યુવાઓનું ભવિષ્ય.’
રાહુલ ગાંધીએ ઓબીસી, દલિત, આદિવાસી વર્ગનો કર્યો ઉલ્લેખ
તેમણે મનરેખાનો ઉલ્લેખ કરી કહ્યું કે, ‘જ્યારે તમે ભારતની 200 મોટી કંપનીઓ પર નજર નાખશો, તો તેમાં એક પણ ઓબીસી, દલિત, આદિવાસી વર્ગના લોકો જોવા નહીં મળે. તમને મનરેગા કોન્ટ્રાક્ટરની યાદીમાં પણ ઓબીસી, દલિત, આદિવાસી લોકો જોવા નહીં મળે. તેમણે દાવો કર્યો કે યુવાઓ અમારી સાથે છે.’
રાહુલે કહ્યું, પ્રાણપ્રતિષ્ઠામાં રાષ્ટ્રપતિને પણ ન આવવા દીધા
તેમણે રામ મંદિરનો ઉલ્લેખ કરી કહ્યું કે, ‘અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ ધુમધામથી ઉજવાયો, પરંતુ તેમાં દલિતોને પ્રવેશ ન અપાયો. ત્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પણ ન આવવા દીધા, પરંતુ મોટા રૂપિયાવાળા જરૂર જોવા મળ્યા.’
ન્યાય યાત્રામાં ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ
રાયબરેલીમાં રાહુલ ગાંધીના સંબોધન દરમિયાન ભાજપ અને કોંગ્રેસ (BJP And Congress)ના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જ્યારે સુપર માર્કેટ પાસે આવેલા ભાજપ કાર્યાલય નજીક રાહુલે બોલવાનું શરૂ કર્યું ત્યારે ભાજપના કાર્યકર્તાઓ ઝંડો લઈને દોડી આવતા કોંગ્રેસના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. થોડો સમય સૂત્રોચ્ચાર થયા બાદ બંને પક્ષોના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. જોકે પોલીસે તુરંત વચ્ચે પડી તમામ કાર્યકર્તાઓને સમજાવી મામલો થાડો પાડ્યો હતો. આ દરમિયાન રાહુલે પણ કટાક્ષ કરી કહ્યું કે, ‘જુઓ પાંચ લોકો ડંડા દેખાડી રહ્યા છે.’