‘રિબિન કાપતાં જ પુલ, પ્લેટફોર્મ, મૂર્તિઓ તૂટવી ચિંતાનો વિષય’ બાંદ્રા ટર્મિનલ ઘટના મુદ્દે રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર
Rahul Gandhi On Bandra Terminus Station Incident : મુંબઈના બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર થયેલી નાસભાગ બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું છે. વિપક્ષના નેતાએ આ ઘટનાને ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો છે. તેમણે આજે દેશમાં આંતરરાષ્ટ્રિય સ્તરના માળખાકીય સુવિધાઓની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ગોરખપુર જતી ટ્રેનમાં ચડવા માટે રવિવારે વહેલી સવારે બાંદ્રા રેલવે સ્ટેશન પર નાસભાગ મચી ગઈ હતી, જેમાં 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આમાંથી કેટલાક લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પણ પડ્યા હતા.
રાહુલ ગાંધીએ શું કહ્યું?
ઘટનાને લઈને રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ શેર કરીને કહ્યું કે, ઉદ્ધાટન અને પ્રસિદ્ધિ ત્યારે જ સારા લાગે છે જ્યારે તેની પાછળનો હેતુ જનતાની સેવા કરવાનો હોય. જ્યારે સાર્વજનિક મિલકતોની જાળવણીના અભાવે અને અવગણનાને કારણે લોકો જીવ જાય અને પુલ, પ્લેટફોર્મ કે મૂર્તિઓ રિબન કાપતાની સાથે જ તૂટી પડે, ત્યારે તે ગંભીર ચિંતાનો વિષય છે.
તેમણે કહ્યું કે, 'મુંબઈના બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર થયેલી નાસભાગ એ ભારતના ભાંગી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નવીનતમ ઉદાહરણ છે. ગયા વર્ષે જૂનમાં બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં 300 લોકોએ જીવ ગુમાવ્યા હતા, પરંતુ પીડિતોને વળતર આપવાને બદલે ભાજપ સરકારે તેમને લાંબી કાનૂની લડાઈમાં ફસાવ્યા છે.'
શિવાજી મહારાજની મૂર્તિ નવ મહિનામાં પડી...
કોંગ્રેસના નેતાએ કહ્યું કે, વિચારો કે છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ માત્ર નવ મહિનામાં પડી જાય છે તો, તેનો સાફ મતલબ થાય છે કે માત્ર પ્રચાર માટે આવું કર્યું. જેમાં શિવાજી મહારાજનું ન તો સમ્માન જળવાયું, નહીં કે જનતાની સુરક્ષા. આજે દેશને ગરીબોની જરૂરિયાતો, વ્યવસાયને સરળ બનાવે, મુસાફરીમાં સરળતા અને લોકોને સુરક્ષાને ધ્યાનમાં રાખે તેવા આંતરરાષ્ટ્રીય સ્તરના માળખાની જરૂર છે.
શું હતી સમગ્ર ઘટના?
મ્યુનિસિપલ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના રવિવારે સવારે 5.56 વાગ્યે બની હતી. દિવાળી અને છઠના તહેવારોને ધ્યાનમાં રાખીને મુંબઈથી ઉત્તર ભારત જતી ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળે છે. રવિવારે પણ બાંદ્રા-ગોરખપુર અંત્યોદય એક્સપ્રેસમાં ચડવા માટે બાંદ્રા ટર્મિનલના પ્લેટફોર્મ નંબર એક પર મોટી સંખ્યામાં લોકો હાજર હતા.
જ્યારે ટ્રેનને યાર્ડમાંથી પ્લેટફોર્મ પર ખસેડવામાં આવી રહી હતી, ત્યારે ટ્રેનની રાહ જોઈ રહેલા મુસાફરોએ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કર્યો અને પરિસ્થિતિ વધુ વણસી હતી, જેમાં બોગીના દરવાજા અંદરથી બંધ હતા. જેથી ટ્રેનમાં ચડતી વખતે કેટલાક લોકો પ્લેટફોર્મ પર પડી ગયા હતા.