'હવે ચંદે કા ધંધાની પોલ ખુલશે', ચૂંટણી બોન્ડને લઈ રાહુલ ગાંધીના પીએમ મોદી પર પ્રહાર
સુપ્રીમ કોર્ટે એસબીઆઈને ચૂંટણી બોન્ડની વિગતો જાહેર કરવા આદેશ આપ્યો છે
Electoral Bonds: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી બોન્ડને લઈને ભાજપ પર પ્રહારો કર્યા છે. તેમણે 'X' પોસ્ટ કરીને કહ્યું કે, વડાપ્રધાન મોદીના ચંદે કા ધંધાની પોલ ખુલવાની છે. જે લોકો દાન આપે છે તેના પર કૃપાનો વરસાદ અને જનતા પર ટેક્સનો માર, આ છે ભાજપની મોદી સરકાર.'
ચૂંટણી બોન્ડ સૌથી મોટું કૌભાંડ સાબિત થવા જઈ રહ્યું છે: રાહુલ ગાંધી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કરતા રાહુલ ગાંધીએ 'X'લખ્યું કે, 'નરેન્દ્ર મોદીનો 'ચંદે કા ધંધા'ની પોલ ખુલવાની છે.! સ્વિસ બેંકમાંથી 100 દિવસમાં કાળું નાણું પરત લાવવાના વચન સાથે સત્તામાં આવેલી સરકાર પોતાની જ બેંકના ડેટા છુપાવવા માટે સુપ્રીમ કોર્ટમાં માથું ટેકવીને ઊભી રહી. ચૂંટણી બોન્ડ ભારતીય ઈતિહાસનું સૌથી મોટું કૌભાંડ સાબિત થવા જઈ રહ્યું છે, જે ભ્રષ્ટ ઉદ્યોગપતિઓ અને સરકારની સાંઠગાંઠનો પર્દાફાશ કરશે અને નરેન્દ્ર મોદીનો અસલી ચહેરો દેશ સમક્ષ ઉજાગર કરશે.'
એસબીઆઈને સુપ્રીમ કોર્ટનો ઝટકો
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં એસબીઆઈની અરજી (ચૂંટણી બોન્ડ સંબંધિત માહિતી જાહેર કરવા માટે સમય મર્યાદા વધારવાની વિનંતી) ફગાવી દેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં એસબીઆઈએ માગ કરી હતી કે તેમને વધુ સમય આપવામાં આવે અને જૂન પછી આંકડા જાહેર કરવામાં આવે. હવે આ મામલે સુપ્રીમકોર્ટે એસબીઆઈને આવતીકાલે જ વિગતો જાહેર કરવા આદેશ કરી દીધો છે. એટલે કે દેશની સૌથી મોટી બેન્કે 12 તારીખે ચૂંટણી બોન્ડને લગતી તમામ વિગતો જાહેર કરવી પડશે. આ સાથે જ ચૂંટણી પંચને કહેવામાં આવ્યું કે 15 માર્ચ સુધી તે આ વિગતો વેબસાઈટ પર અપલોડ કરે.
ચૂંટણી બોન્ડ શું છે?
કેન્દ્ર સરકારે 2017માં ચૂંટણી બોન્ડ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના 29મી જાન્યુઆરી 2018માં સરકાર દ્વારા કાયદેસર રીતે લાગુ કરવામાં આવી હતી. જો સરળ ભાષામાં સમજીએ તો, ચૂંટણી બોન્ડ એ રાજકીય પક્ષોને દાન આપવાનું નાણાકીય માધ્યમ છે. તે એક પ્રોમિસરી નોટ અથવા બેરર બોન્ડ તરીકે કામ કરે છે. જે ભારતનો કોઈપણ નાગરિક અથવા કંપની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની પસંદગીની શાખાઓમાંથી ખરીદી શકે છે અને તેમની પસંદગીના કોઈપણ રાજકીય પક્ષને અનામી રૂપે દાન કરી શકે છે.