અમિત શાહની બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધીને જામીન
- સુલતાનપુરની કોર્ટમાં કેસની આગામી સુનાવણી બીજી માર્ચે
- ભારત જોડો ન્યાય-યાત્રા થંભાવી રાહુલ કોર્ટમાં હાજર થયા
સુલતાનપુર : કોંગ્રેસના વરિષ્ટ નેતા રાહુલ ગાંધી આજે સવારે તેઓની ભારત જોડો ન્યાય-યાત્રા સ્થગિત કરી સુલ્તાનપુર કોર્ટમાં હાજર થયા હતા. આ કેસ ભાજપ દ્વારા રજૂ કરાયેલા માનહાની કેસ સાથે સંલગ્ન છે. કોંગ્રેસ મહામંત્રી જયરામ રમેશે જણાવ્યા પ્રમાણે યાત્રા બપોરે બે વાગ્યાથી ફરી શરૂ થઈ હતી. જો કે દિવસના અંતે કોર્ટે આ કેસમાં જામીન આપ્યા હતાં. આ કેસની આગામી સુનાવણી બે માર્ચેના રોજ છે.
પ્રાપ્ય માહિતી પ્રમાણે બેંગલુરુમાં એક પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધીએ કેન્દ્રના ગૃહ મંત્રી અમિત શાહ ઉપર આપત્તિજનક ટીકા કરતાં તેઓને હત્યારા કહ્યા હતા. તેથી ભાજપ નેતા વિજય મિશ્રા દ્વારા તેઓ ઉપર માનહાનીનો કેસ દાખલ કરાયો હતો. તેમાં કહ્યું હતું કે, અમિત શાહની સાથે સમગ્ર ભાજપ પણ સંલિપ્ત હતો. તે અરજીમાં જણાવ્યું હતું કે, વાસ્તવમાં મુંબઇની સીબીઆઈની વિશેષ અદાલતે અમિત શાહને બનાવટી મુઠભેડ કેસમાં ૨૦૦૫માં જ નિર્દોષ ઠરાવ્યા હતા.
આ મુદ્દો લઈ ભાજપના નેતા વિજય મિશ્રએ તેમના વકિલ દ્વારા અહીંની કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે, રાહુલ ગાંધીએ બેંગલુરુમાં અમિત શાહ ઉપર એવો આક્ષેપ કર્યો હતો કે, તેઓ હત્યારા છે. આ જાણી મને ઘણું જ દુ:ખ થયું હતું. કારણ કે ૩૩ વર્ષથી હું પાર્ટીનું કામ કરું છું. મેં મારા વકિલ દ્વારા આ અંગે ફરિયાદ રજૂ કરી હતી અને ૪ ઓગસ્ટ ૨૦૧૮માં સુલ્તાનપુરના ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં એમ.પી. / એમ.એલ.એ. અદાલત સમક્ષ કેસ દાખલ કર્યો હતો.
વિજય મિશ્રાના વકિલે કહ્યું હતું કે, જો આ કેસમાં રાહુલ દોષિત સાબિત થશે તો તેમને વધુમાં વધુ બે વર્ષની સજા થઇ શકે.