VIDEO: રાહુલ ગાંધીએ ચાલુ ભાષણમાં યુવકને મંચ પર બોલાવ્યો... કહ્યું- અમે આ યોજનાને કચરામાં ફેંકી દઇશું
Rahul Gandhi Bihar: સોમવાર 27 મેના રોજ બિહારમાં રાહુલ ગાંધીએ ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધી હતી. જેમાં આરામાં ચૂંટણી રેલી સંબોધતી વખતે રાહુલ ગાંધીએ અચાનક જ અગ્નિવીર યોજના હેઠળ નોકરી મેળવેલા એક યુવકને બોલાવ્યો હતો. આ દરમિયાન યુવક સાથે વાત કરતી વખતે તેમણે મોટો દાવો કરતા કહ્યું હતું કે, ‘।.N.D.I.A. ગઠબંધનની સરકાર બનશે કે તરત જ અગ્નિવીર યોજનાને ફાડીને કચરામાં ફેંકી દેવામાં આવશે.’
રાહુલ ગાંધી પાટલીપુત્ર લોકસભા મતવિસ્તાર પટના સાહિબમાં ચૂંટણી રેલીને સંબોધિત કર્યા બાદ આરા પહોંચ્યા હતા. ત્યાં રેલીને સંબોધિત કરતી વખતે તેમની નજર સ્ટેજ નીચે ઊભેલા એક યુવક પર પડી અને તેને પૂછ્યું કે 'શું તમે અગ્નિવીર છો?' જવાબ 'હા'માં મળતા જ એ યુવકને સ્ટેજ પર બોલાવવામાં આવ્યો.
અગ્નિવીર યોજનાને કચરામાં ફેંકી દઈશું : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે, 'પીએમ નરેન્દ્ર મોદીની સરકારે ભારતના સૈનિકોને મજૂર બનાવી દીધા છે. નવી નીતિમાં બે પ્રકારના સૈનિકો બનાવવામાં આવ્યા છે. એક એવા શહીદ જેના પરિવારને પેન્શન મળશે, શહીદનો દરજ્જો મળશે અને બધી જ સુવિધાઓ મળશે. જયારે બીજા પ્રકારના શહીદ એટલે કે ગરીબ ઘરનો દીકરો જેને અગ્નિવીર નામ આપવામાં આવ્યું છે. આ અગ્નિવીરને ન તો શહીદનો દરજ્જો મળશે, ન તેને પેન્શન મળશે, ન તો તેને કોઈ સુવિધા મળશે, ન તો તેને કેન્ટીન મળશે. આ યોજના નરેન્દ્ર મોદીની યોજના છે. આ સેનાની યોજના નથી. સેનાને તે જોઈતી નથી. આ યોજના પીએમઓ તરફથી બનાવવામાં આવી છે, 'I.N.D.I.A.' ગઠબંધન સરકાર આવશે, ત્યારે અમે અગ્નિવીર યોજનાને કચરામાં ફેંકી દઈશું.'
રાહુલ ગાંધીએ જાતિ ગણતરી પર પણ ઉઠાવ્યા સવાલ
આરામાં રેલીને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ જાતિ ગણતરી અને આર્થિક સર્વેનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે, 'જ્યારે અમે જાતિ ગણતરીની માંગણી કરી તો પીએમ મોદી ચૂપ થઈ ગયા. તેમણે કહેવાનું શરૂ કર્યું કે દેશમાં કોઈ જાતિ નથી. માત્ર અમીર અને ગરીબ એમ બે જ જાતિઓ છે. પહેલા તેઓ પોતાને OBC કહેતા હતા, જો દેશમાં કોઈ જાતિ નથી તો તમે તમારી જાતિને OBC કેમ જાહેર કરો છો?"
આરામાં 1 જૂને છેલ્લા તબક્કાનું મતદાન થવાનું છે. જેમાં સીપીઆઈ-એમએલના ઉમેદવાર સુદામા પ્રસાદ ભાજપના ઉમેદવાર આરકે સિંહ સામે ચૂંટણી લડી રહ્યા છે.