કોંગ્રેસની ન્યાય યાત્રા અટકાવીને કોર્ટ પહોંચ્યા રાહુલ ગાંધી, માનહાનિ કેસમાં મળ્યા જામીન
રાહુલ ગાંધીએ 2018માં ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી
ભાજપના કાર્યકર્તાએ સેશન કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો
Image : IANS |
Rahul Gandhi gets bail in defamation case : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં જામીન મળી ગયા છે. તેઓ આજે ઉત્તર પ્રદેશના સુલતાનપુરની સ્થાનિક કોર્ટમાં હાજર થયા હતા. માનહાનિ સંબંધિત કેસમાં સુલતાનપુર કોર્ટે તેને સમન્સ પાઠવ્યું હતું.
ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માનહાનિના કેસમાં આજે ઉત્તર પ્રદેશના સુલતાનપુરની સ્થાનિક કોર્ટમાં હાજર થયા હતા. તેમને કોર્ટ તરફથી જામીન મળી ગયા છે. રાહુલ ગાંધીને 25,000 રૂપિયાની સિક્યોરિટી અને 25,000 રૂપિયાના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. રાહુલ ગાંધી લગભગ 15 મિનિટ સુધી કોર્ટમાં રહ્યા બાદ લગભગ 11:20 વાગ્યે કોર્ટમાંથી નીકળી ગયા હતા. આ કેસની આગામી સુનાવણી 2 માર્ચે થશે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ 2018માં ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીને માનહાનિનો મામલો ગણાવીને ભાજપ નેતા વિજય મિશ્રાએ રાહુલ ગાંધી સામે કેસ દાખલ કર્યો હતો. આ મામલો લગભગ 6 વર્ષ જૂનો છે.
2018નો શું છે મામલો?
રાહુલ ગાંધીએ 2018માં બેંગલુરુમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કથિત રીતે ભાજપના નેતા અને ગૃહમંત્રી અમિત શાહ પર હુમલો કર્યો હતો અને તેમને હત્યારા કહ્યા હતા. તેમના પર વિજય મિશ્રા નામના ભાજપના કાર્યકર્તાએ 2018ની ચોથી ઓગસ્ટે જિલ્લા અને સેશન કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જજ યોગેશ કુમાર યાદવે આ કેસમાં રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું હતું. મળતી માહિતી મુજબ, જો રાહુલ ગાંધીને પૂરતા પુરાવા બાદ દોષિત ઠેરવવામાં આવ્યા હોત તો તેમને બે વર્ષની જેલની સજા થઈ શકી હોત.