આખરે સસ્પેન્સનો અંત, રાયબરેલીથી રાહુલ ગાંધી તો અમેઠીથી સ્મૃતિ ઈરાની સામે કિશોરી લાલ મેદાને
Lok Sabha Elections 2024 | ઉત્તર પ્રદેશની રાયબરેલી અને અમેઠી બેઠકોના કોંગ્રેસના ઉમેદવારો અંગેનું સસ્પેન્સ આખરે ખતમ થયું છે. પાર્ટીએ રાહુલ ગાંધીને રાયબરેલી સીટ પરથી ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી છે. જ્યારે અમેઠીથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે કિશોરી લાલને ટિકિટ આપવામાં આવી છે. જોકે કોંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધીને કોઈ બેઠક પરથી હજુ સુધી ઉમેદવાર તરીકે જાહેર કરાયા નથી.
સોનિયા ગાંધીના ખાસ છે કિશોરી લાલ શર્મા
અમેઠી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્માને સોનિયા ગાંધીના નજીકના નેતા તરીકે ઓળખવામાં આવે છે. મૂળ પંજાબના લુધિયાણાના કે.એલ. શર્મા લાંબા સમયથી રાયબરેલીમાં સોનિયા ગાંધીના સાંસદ પ્રતિનિધિ તરીકે કામ કરી રહ્યા છે.
પોસ્ટરો લગાવવાની શરૂઆત થઇ
ઉલ્લેખનીય છે કે દેશભરમાં લોકસભા ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે. આખા દેશની નજર કોંગ્રેસની પરંપરાગત બેઠકો અમેઠી અને રાયબરેલી પર હતી. બંને બેઠકો પર ઉમેદવારી ફોર્મ ભરવા આજે શુક્રવારે અંતિમ દિવસ હતો ત્યારે અમેઠી અને રાયબરેલીમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના પોસ્ટરો પણ લગાવવાની શરૂઆત થઇ ચૂકી છે. આજે ઉમેદવારી નોંધાવતા પહેલાં ભવ્ય રોડ શો યોજવાની કોંગ્રેસે તૈયારીઓ પણ કરી લીધી છે.