‘મધ્યરાત્રિએ નિર્ણય લેવો અપમાનજનક’ CEC તરીકે જ્ઞાનેશ કુમારની નિમણૂક પર રાહુલ ગાંધી નારાજ
Rahul Gandhi Opposes CEC Selection: ચીફ ઈલેક્શન કમિશ્નર તરીકે જ્ઞાનેશ કુમારની નિમણૂકના એક દિવસ બાદ લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અસહમતિ પત્ર સોંપ્યો છે. તેમણે અડધી રાત્રે ચીફ ઈલેક્શન કમિશ્નરની નિમણૂક કરવાનો આરોપ મૂકતાં કેન્દ્ર સરકાર પર ચૂંટણી પંચની સ્વતંત્રતાને નબળી બનાવવાનો આરોપ મૂક્યો છે. વિપક્ષ નેતા રાહુલ ગાંધી પણ ચીફ ઈલેક્શન કમિશ્નરની નિમણૂક સમિતિના સભ્ય હતા.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરતાં લખ્યું કે, 'ચૂંટણી પંચની નિમણૂક માટે રચાયેલી સમિતિની બેઠકમાં મેં વડાપ્રધાન અને ગૃહમંત્રીને અસહમતિ પત્ર સોંપ્યો છે. જેમાં સ્પષ્ટતા કરી છે કે, એક સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી પંચ માટે આ અત્યંત મહત્ત્વપૂર્ણ પગલું છે કે, ઈલેક્શન કમિશ્નર અને ચીફ ઈલેક્શન કમિશ્નરની નિમણૂક પ્રક્રિયા એક્ઝિક્યુટિવ પ્રભાવોથી મુક્ત હોવી જોઈએ.'
આ પણ વાંચોઃ બાળકોને ઉર્દૂ ભણાવીને શું મૌલવી બનાવવા છે? યોગી આદિત્યનાથ યુપી વિધાનસભામાં ભડક્યા
CJIને કમિટીમાંથી હટાવવા પર ઉઠ્યા પ્રશ્નો
રાહુલ ગાંધીએ પોતાના પત્રમાં લખ્યું છે કે 'સરકારે સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના કરી અને ચીફ જસ્ટિસ(CJI)ને પસંદગી સમિતિમાંથી દૂર કર્યા. મોદી સરકારે સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યું છે. આનાથી ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા અંગે દેશના કરોડો મતદારોની ચિંતા વધી છે.'
CECની નિમણૂક પર સરકાર પર પ્રહાર
રાહુલ ગાંધીએ મંગળવારે આક્ષેપ કર્યો હતો કે 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે ચીફ ઈલેક્શન કમિશ્નરની પસંદગી કરી હતી. આ નિર્ણય એવા સમયે અયોગ્ય છે કે જ્યારે પસંદગી સમિતિની રચના અને પ્રક્રિયાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હોય.' 48 કલાકથી ઓછા સમયમાં આ મામલે સુનાવણી થવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સોમવારે સાંજે યોજાયેલી પસંદગી સમિતિની બેઠક બાદ જ્ઞાનેશ કુમારને ભારતના નવા CEC તરીકે પસંદગી કરવામાં આવી હતી. આ સમિતિમાં ગૃહમંત્રી અને રાહુલ ગાંધી પણ સામેલ છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું, 'વિપક્ષના નેતા તરીકે, બાબાસાહેબ આંબેડકર અને આપણા રાષ્ટ્રનિર્માણ નેતાઓના આદર્શોને જાળવી રાખવાની મારી ફરજ છે અને ચૂંટણી પંચના ચીફ કમિશ્નરની પસંદગી સમિતિની રચના અને પ્રક્રિયા પર સુપ્રીમ કોર્ટ આગામી 48 કલાકમાં જ સુનાવણી કરવાની હતી. તેમ છતાં વડાપ્રધાન અને ગૃહમંત્રી દ્વારા નવા CECની પસંદગી માટે અડધી રાત્રે નિર્ણય લેવો એ અયોગ્ય છે.'
જ્ઞાનેશ કુમાર વર્તમાન CEC રાજીવ કુમારનું સ્થાન લેશે. તેઓ નવા કાયદા હેઠળ નિયુક્ત થયેલા પ્રથમ CEC છે. આ કાયદો 2023માં પસાર કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ જૂન 1949માં બંધારણ સભામાં ડૉ. ભીમરાવ આંબેડકરના ભાષણનો ઉલ્લેખ કર્યો, જેમાં તેમણે ચૂંટણી પંચની સ્વતંત્રતા જાળવવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને ચેતવણી આપી હતી કે ચૂંટણી પંચની બાબતોમાં કારોબારી દ્વારા હસ્તક્ષેપ લોકશાહી માટે જોખમી બની શકે છે.