અયોધ્યામાં દલિત યુવતી સાથે હેવાનિયત: રાહુલ ગાંધીએ કરી ન્યાયની માંગ, સપા સાંસદ રડી પડ્યા
Rahul Gandhi : કાંગ્રેસ પાર્ટીના ઉપાધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ અયોધ્યામાં દલિત યુવતી સાથે થયેલી દુષ્કર્મની ઘટનાને લઈને યોગી સરકાર સામે નિશાન સાધ્યું છે. રાહુલે સોશિયલ મીડીયા પ્લેટફોર્મ 'X' પર આ ઘટનાને શરમજનક ગણાવી હતી. તેમણે ભાજપનાં રાજમાં ઉત્તરપ્રદેશમાં વધી રહેલા ગુનાઓને લઈને નિશાન સાધતા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી હતી.
રાહુલ ગાંધીએ શું કહ્યું?
રાહુલ ગાંધીએ લખ્યું હતું કે, 'અયોધ્યામાં દલિત યુવતી સાથે થયેલું અમાનવીય કૃત્ય અને તેની ક્રૂર હત્યા હૃદયદ્રાવક અને શરમજનક ઘટના છે. ત્રણ દિવસથી કહી રહેલા પરિવારની મદદે જો વહીવટી તંત્રે ધ્યાન આપ્યું હોત તો કદાચ તેનો જીવ બચી ગયો હોત. છેવટે ક્યાં સુધી અનેક પરિવારોએ આ રીતે રડવું અને પીડા સહન કરવી પડશે? બહુજન વિરોધી ભાજપ સરકારમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં દલિતો સામે ઘૃણાસ્પદ અત્યાચારો, અન્યાય અને હત્યાના મામલો સતત વધી રહ્યા છે. ઉત્તર પ્રદેશ સરકાર આ ગુનાની તરત જ તપાસ કરે અને દોષિતોને કડક સજા અપાવે અને જવાબદાર પોલીસકર્મી સામે પણ કડક કાર્યવાહી કરે અને મહેરબાની કરીને પીડિતાના પરિવારને હંમેશાની જેમ ત્રાસ ન આપે. પૂરા દેશની દીકરીઓ અને પૂરો દલિત સમાજ ન્યાય મેળવવા માટે તમારી સામે જોઈ રહ્યો છે.'
શું હતી સમગ્ર ઘટના?
અયોધ્યામાં ત્રણ દિવસથી ગુમ થયેલી યુવતીની મૃતદેહ નિવસ્ત્ર અવસ્થામાં મળી હતી. મળતી માહિતી અનુસાર, યુવતી ગુરુવારે રાત્રે 10 વાગ્યે ધાર્મિક મેલાવળામાં જવાનું કહીને ઘરની બહાર ગઈ હતી. પરંતુ તે પાછી ઘર પહોંચી ન હતી. શોધખોળ કરતા પણ ન મળતા તેનો ગુમ થયાનો રિપોર્ટ નોંધાવવામાં આવ્યો હતો. પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, 'છોકરીનો મૃતદેહ નિવસ્ત્ર હાલતમાં મળી આવ્યો હતો. તેની આંખો કાઢી નાખવામાં આવી હતી. હાથ અને પગ દોરડાથી બાંધેલા હતા. ચહેરા અને અને કપાળના ભાગ પર ગંભીર ઈજાના નિશાન હતા. શરીરના ઘણા હાડકાં પણ તૂટેલા મળી આવ્યા હતા.' તેમણે શંકા વ્યક્ત કરી હતી કે છોકરી પર સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યો હતો અને પછી તેની હત્યા કરવામાં આવી હતી.
આ સિવાય પણ પરિવારે આરોપ લગાવ્યો હતો કે, 'પોલીસ યુવતીની ગંભીરતાથી શોધખોળ કરવાની બદલે માત્ર ઔપચારિક આશ્વાશન આપી રહી હતી. શનિવારે સવારે યુવતીના જીજાજીને તેનો મૃતદેહ ગામથી અડધો કિલોમીટર દુર નહેર પાસે મળ્યો હતો. પછી તેમણે અમને મૃતદેહ મળવાની જાણ કરી હતી.' ત્યારબાદ ઘટનાસ્થળે ભીડ એકઠી થઈ ગઈ હતી. મૃતદેહ ભયાનક હાલતમાં હતો જેને જોઈને મૃત યુવતીની મોટી બહેન અને ગામની બે મહિલાઓ બેભાન થઈ ગઈ હતી.
સમાજવાદી પાર્ટીના સાંસદ રડી પડ્યા
હવે આ અંગે સમાજવાદી પાર્ટીના અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદે પણ આ મામલે મોરચો ખોલ્યો છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સપા સાંસદ રડી પડ્યા હતા. તેમણે કહ્યું કે, 'જો તેમને ન્યાય નહીં મળે તો હું લોકસભામાંથી રાજીનામું આપી દઈશ.' સાંસદના રડવાનો અવાજ સાંભળીને હાજર લોકો અચાનક સ્તબ્ધ થઈ ગયા હતા. ત્યારબાદ સીએમ યોગીએ એક જાહેર સભામાં આનો જવાબ આપ્યો હતો. તેમણે સપા સાંસદના રડવાને નાટક ગણાવ્યું હતું અને આરોપી સપા સાથે સંકળાયેલા હોવાની શંકા વ્યક્ત કરી છે.
સીએમ યોગીએ આપી પ્રતિક્રિયા
સીએમ યોગીએ કહ્યું હતું કે, 'સમાજવાદી પાર્ટીને ગુંડાઓ અને માફિયાઓને પ્રેમ કરે છે. ગઈકાલે થયેલી ઘટનામાં તેમનો જ કોઈ વ્યક્તિ સામેલ હોઈ શકે છે. યુવતી સાથે બનેલી આ ઘટના પર સાંસદ નાટક કરી રહ્યા છે. આ ઘટનામાં તેમનો એક માણસ સંડોવાયેલો જરૂર હશે. બહેનો અને દીકરીઓ પર અત્યાચાર કરનારાઓને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં.'