રાહુલ ગાંધી વિરુદ્ધના માનહાનિના કેસમાં સુનાવણી મોકૂફ, આગામી સુનાવણી 30 જાન્યુઆરીના રોજ
Rahul Gandhi Defamation Case : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરાયેલી માનહાનિ કેસની સુનાવણી બુધવારે મોકૂફ રખાઈ છે. વકીલોના બહિષ્કારના કારણે સુનાવણી થઈ શકી ન હતી. એમપી-એમએલએ સ્પેશિયલ કોર્ટના મેજિસ્ટ્રેટ શુભમ વર્માએ આગામી સુનાવણી 30 જાન્યુઆરીએ હાથ ધરવાનો નિર્ણય લીધો છે.
ભાજપ નેતાએ 2018માં ફરિયાદ નોંધાવી હતી
લોકસભામાં વિપક્ષના નેતા અને રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધી પર બેંગ્લોરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. આ અંગે કોતવાલી દેહાત પોલીસ સ્ટેશનના હનુમાનગંજમાં રહેતા પૂર્વ જિલ્લા સહકારી બૅંકના અધ્યક્ષ અને ભાજપ નેતા વિજય મિશ્રાએ ચોથી ઑગસ્ટ-2018ના રોજ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિની ફરિયાદ નોંધાવી હતી.
રાહુલ ગાંધીની અમિત શાહ વિશે વાંધાજનક ટિપ્પણી
ભાજપના સ્થાનિક નેતા વિજય મિશ્રાએ 2018માં ગાંધી વિરુદ્ધ કોર્ટમાં માનહાનિની ફરિયાદ નોંધાવી હતી અને આરોપ લગાવ્યો હતો કે, કર્ણાટક ચૂંટણી દરમિયાન કોંગ્રેસના નેતાએ ભાજપના નેતા અમિત શાહ વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી જેનાથી તેમની લાગણીઓને ઠેસ પહોંચી હતી.
રાહુલ હાજર ન થતાં કોર્ટે સમન્સ પાઠવ્યું હતું
આ કેસ પાંચ વર્ષથી પેન્ડિંગ છે. આ પહેલા રાહુલ ગાંધી હાજર ન થતાં કોર્ટે ડિસેમ્બર-2023માં તેમને સમન્સ પાઠવતા વોરંટ જારી કર્યું હતું. ત્યારબાદ રાહુલ ગાંધીએ ફેબ્રુઆરી-2024માં કોર્ટમાં હાજર થયા હતા. પછી તેમનું નિવેદન 26 જુલાઈ-2024ના રોજ નોંધવામાં આવ્યું હતું. વિશેષ મેજિસ્ટ્રેટ કોર્ટે તેમને જામીન આપ્યા હતા. રાહુલ ગાંધીએ કોર્ટમાં નિર્દોષ હોવાનો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે, તેમની વિરુદ્ધ રાજકીય કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. ત્યારબાદ કોર્ટે ફરિયાદીને પુરાવા રજૂ કરવા આદેશ કર્યો હતો. ત્યારબાદ આગામી સુનાવણી 16 ડિસેમ્બર-2024 હાથ ધરવાનો નિર્ણય કરાયો હતો, પરંતુ ન્યાયાધીશની ગેરહાજરીને કારણે સુનાવણી ટાળવામાં આવી હતી. ત્યારબાદ આજે એટલે કે 22 જાન્યુઆરીએ વકીલોની હડતાળના કારણે સુનવાણી મુલતવી રાખવામાં આવી છે અને આગામી સુનાવણી 30 જાન્યુઆરીએ હાથ ધરવાનો નિર્ણય કરાયો છે.