'રાહુલના પ્રેમિકા સાથે લગ્ન થયા નહીં, સોનિયાએ પરાણે રાજકારણમાં ધકેલ્યા'
- ગાંધી પરિવાર વિશે ભાજપનાં નેતા કંગનાના 'તોપમારા'થી વિવાદ
- રાહુલ અને પ્રિયંકાનું રાજકારણમાં કોઈ જ ભવિષ્ય નથી, બીજા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી હોત તો સફળ થાત : કંગના
નવી દિલ્હી : હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી ભાજપના ઉમેદવાર કંગના રનૌતે ટીવી ઈન્ટરવ્યૂમાં ગાંધી પરિવાર વિશે ટીપ્પણી કરતાં વિવાદ સર્જાયો છે. કંગનાએ રાહુલ-પ્રિયંકા વિશે કહ્યું હતું કે એ બંનેને ધરાર રાજકારણમાં માતા સોનિયાના કહેવાથી આવવું પડયું છે. જો તેઓ રાજકારણ સિવાય કંઈક બીજું કરતાં તો સફળ થયાં હોત.
અભિનેત્રીમાંથી નેતા બનેલાં કંગના રનૌતે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું: 'મને તો રાહુલ અને પ્રિયંકા બંને સારા લાગે છે. બંને હાલાતના માર્યા છે. બંને સારા સંતાનો છે, પરંતુ તેમને ધરાર રાજકારણમાં ધકેલાયા છે. બંને એક મહત્ત્વાકાંક્ષી માતાના સંતાનો છે. પરાણે રાજકારણ કરવું પડે છે. તેમને રાજકારણથી દૂર રાખીને સુખી રહેવા દેવાની જરૂર હતી. તેમને જોઈને એવું લાગે છે કે બંને પોતાની જિંદગીથી પરેશાન છે. જેમ બોલિવૂડમાં ઘણાં પરિવારના સંતાનોએ ધરાર એક્ટિંગ કરવી પડે છે તેમ આ બંનેએ ધરાર રાજકારણ કરવું પડે છે. જો તેમણે બીજું કશુંક કર્યું હોત તો વધારે સફળ થયા હોત. હજુ સમય છે. બંનેએ કંઈક બહેતર કરવું જોઈએ. તેમની માતાએ બંનેને ગમતું કરવા દેવું જોઈએ અને તેમને ટોર્ચર કરવાનું બંધ કરવું જોઈએ. રાજકારણમાં તેમનું કોઈ ભવિષ્ય નથી.' કંગનાએ બોલિવૂડનું ઉદાહરણ આપીને સગાવાદ મુદ્દે પણ કટાક્ષ કરી લીધો હતો.
રાહુલ વિશે કંગનાએ ઉમેર્યું: 'સાંભળ્યું છે કે તેમને એક પ્રેમિકા હતી, પણ એની સાથે લગ્ન થઈ શક્યા નહીં. પરિણામે ન તો એમનો પરિવાર બન્યો કે ન તો તેમની કારકિર્દી બની શકી. તેમના પર કાયમ પરિવારનું દબાણ રહ્યું. મને લાગે છે કે રાહુલ ગાંધી ખૂબ એકલા છે. તેમને રાજકારણમાં એક પણ દિશામાં સફળતા મળી રહી નથી.' રાહુલની ઉંમર વિશેય કંગનાએ કટાક્ષ કર્યો હતો: 'રાહુલ ગાંધી લગભગ ૬૦ના થવા આવ્યા છે, છતાં તેમને વારંવાર યુવા નેતા તરીકે લોંચ કરવામાં આવે છે.' કંગનાએ ગાંધી પરિવાર વિશે અંગત ટીપ્પણી કરી તેનાથી વિવાદ સર્જાયો છે.