'જો રાહત નહીં મળે તો કરિયર બર્બાદ થઈ જશે', મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં કરી વિનંતી
રાહુલ ગાંધીએ સુરત કોર્ટે આપેલી સજાના આદેશ પર સ્ટે આપવાનો ઈનકાર કરનાર ગુજરાત હાઈકોર્ટના આદેશને સુપ્રીમમાં પડકાર્યો
સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીમાં લખાયું છે કે, જો રાહત નહીં અપાય તો રાહુલ ગાંધીની કારકિર્દીના 8 વર્ષ બરબાદ થઈ જશે
નવી દિલ્હી, તા.16 જુલાઈ-2023, રવિવાર
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. રાહુલ તરફથી કરાયેલી આ અરજીમાં શું લખાયું છે તેની માહિતી બહાર આવી છે. આ અરજીમાં સુરત ટ્રાયલ કોર્ટ દ્વારા અપાયેલી સજાના આદેશ પર સ્ટે આપવાનો ઈનકાર કરનાર ગુજરાત હાઈકોર્ટના આદેશને પડકારાયો છે.
...તો રાહુલ ગાંધીનું કેરિયર બરબાદ થઈ જશે
રાહુલની અરજીમાં જણાવાયું છે કે, જો અરજદારને આ મામલે રાહત નહીં અપાય તો તેમની કારકિર્દીના 8 વર્ષ બરબાદ થઈ જશે. કારણ કે લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 8(3) હેઠળ આવતા કોઈપણ ગુનામાં દોષિત જાહેર કરાયા હોય અને 2 વર્ષની જેલની સજા પામેલી વ્યક્તિ જેલની સજા અને સજા ભોગવ્યા બાદ પણ આગામી 6 વર્ષ સુધી ચૂંટણી લડવા અયોગ્ય ગણાશે. આમ કુલ 8 વર્ષ સુધી રાજકારણથી દૂર રહેવું પડશે. આવી સ્થિતિમાં મોટો સવાલ થાય છે કે, જો રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં મળે તો 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનું શું થશે ?
જાણો શું છે સંપૂર્ણ મામલો ?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરનેમ કેસમાં ગુજરાત હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. તેમણે સજા અને દોષિત ઠેરવવા પર રોક લગાવવાની માંગ કરી છે. ગુજરાત હાઈકોર્ટે આ મહિનાના પહેલા સપ્તાહમાં રાહુલ ગાંધીની રિવ્યૂ પિટિશિન ફગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે સજા થવાને કારણે રાહુલ ગાંધીનું સાંસદ પદ છીનવાઈ ગયું હતું.
ગુજરાત હાઈકોર્ટે શું કહ્યું હતું...
ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે ટ્રાયલ કોર્ટનો આદેશ સાચો છે. આ આદેશમાં દખલ કરવાની કોઈ જરૂર નથી, તેથી અરજી નકારી કાઢવામાં આવે છે. 2019માં રાહુલ ગાંધીએ મોદી સરનેમ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ મામલે તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ વર્ષે નીચલી અદાલતે તેમને દોષિત ઠેરવ્યા અને બે વર્ષની સજા સંભળાવી.
મામલો શું હતો?
રાહુલ ગાંધીએ 13 એપ્રિલ 2019ના રોજ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું, "નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કોમન કેમ છે? બધા ચોરની અટક મોદી કેમ છે? રાહુલના આ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની વિરુદ્ધ કલમ 499, 500 હેઠળ ગુનાઈત માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.