'દુર્ભાગ્યથી PM મોદી સમજવામાં નિષ્ફળ રહ્યા, માત્ર વાતોથી કંઈ નહીં થાય..', રાહુલ ગાંધીના પ્રહાર
Rahul Gandhi on Drone: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ સાંસદે કહ્યું કે, 'ભારતમાં પ્રતિભા છે, પરંતુ યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે નવી ટૅક્નોલૉજીમાં ઔદ્યોગિક કૌશલ્યો વિકસિત કરવાની જરૂર છે.'
રાહુલ ગાંધીએ શનિવારે X પર એક પોસ્ટમાં હાઇલાઇટ કર્યું કે ચીને કેવી રીતે ડ્રોન બનાવવાનું શરુ કર્યું છે જે સમગ્ર વિશ્વમાં યુદ્ધમાં ક્રાંતિ લાવી રહ્યું છે. તેમણે કહ્યું કે, 'ભારતે આ ક્ષેત્રમાં સ્પર્ધાત્મક બનવા માટે વ્યૂહરચના વિકસાવવાની જરૂર છે.'
નવી ટૅક્નોલૉજીના ઉત્પાદન માટે ભારતને સ્પષ્ટ વિઝનની જરૂર
કોંગ્રેસના નેતાએ કહ્યું કે, 'ડ્રોને યુદ્ધમાં ક્રાંતિ લાવી છે, બેટરી, મોટર્સ અને ઓપ્ટિક્સને સંયોજિત કરીને યુદ્ધક્ષેત્રમાં ચાલાકી અને સંદેશાવ્યવહારને અભૂતપૂર્વ રીતે સક્ષમ કરી શકાય છે. પરંતુ ડ્રોન માત્ર એક ટૅક્નોલૉજી નથી, તે એક મજબૂત ઔદ્યોગિક પ્રણાલી દ્વારા ઉત્પાદિત બોટમ-અપ ઇનોવેશન છે.'
રાહુલ ગાંધીનો પીએમ મોદી પર કટાક્ષ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું કે, 'આ માત્ર એક ટૅક્નોલૉજી નથી. આ એક મજબૂત ઔદ્યોગિક પ્રણાલીની મદદથી થઈ રહેલી નવીનતા દર્શાવે છે. પીએમ મોદી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર 'ટેલિપ્રોમ્પ્ટર'નો ઉપયોગ કરીને ભાષણ આપે છે પરંતુ તેમને આ વસ્તુ સમજાતી નથી.'
ભારતમાં મજબૂત ઔદ્યોગિક વ્યવસ્થાની જરૂર છે
ચીનનું નામ લેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, 'આપણા પ્રતિસ્પર્ધીઓ નવી ટૅક્નોલૉજીમાં નિપુણતા મેળવી રહ્યા છે અને આપણી સરકાર પાસે તમામ સંસાધનો હોવા છતાં આ મામલે કંઈ નથી કરી રહી.'
તેમણે કહ્યું, 'ભારતને ખાલી ભાષણોની જરૂર નથી પરંતુ મજબૂત ઔદ્યોગિક વ્યવસ્થાની જરૂર છે. ભારતમાં અપાર પ્રતિભા છે. આપણા યુવાનો આ ડ્રોનના તમામ કોમ્પોનન્ટ બનાવી શકે છે. આપણા યુવાનોને રોજગારી આપવા અને ભારતને ભવિષ્ય તરફ લઈ જવા માટે આપણી પાસે સ્પષ્ટ વિઝન હોવું જોઈએ અને ભારતમાં જ આવી નવીનતાઓ બનાવવાનું શરુ કરવું જોઈએ.'