રાહુલ ગાંધી ભારતના નાગરિક કે બ્રિટનના? હાઈકોર્ટે કેન્દ્ર સરકારને ઝડપથી નિર્ણય લેવા કર્યા આદેશ
Rahul Gandhi Citizenship Decision: અલ્લાહાબાદ હાઈકોર્ટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને વિપક્ષ નેતા રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા રદ કરવાની માગ કરતી અરજી પર નિર્ણય લેવા આદેશ આપ્યો છે. રાહુલ ગાંધી પાસે બ્રિટનની પણ નાગરિકતા હોવાનો દાવો કરતી અરજી મુદ્દે આ આદેશ આપવામાં આવ્યો છે.
અલ્લાહાબાદ હાઈકોર્ટે એસ. વિજ્ઞેશ શિશિર દ્વારા કરવામાં આવેલી અરજી પર વચગાળાના આદેશ આપતાં સરકારને આ મામલે 19 ડિસેમ્બરે યોજાનારી આગામી સુનાવણીમાં નિર્ણય લેવા નિર્દેશ કર્યો છે. અરજદારે દાવો કર્યો છે કે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિકતા ધરાવે છે. જેથી ગાંધી એક સાથે ભારત અને બ્રિટન એમ બંને દેશોનું નાગરિકત્વ ધરાવતાં હોવાનો દાવો કરતાં આ મામલે સીબીઆઈ તપાસની માગ કરતી અરજી કરી હતી.
અરજદાર પાસે પુરાવો
અરજદારે પુરાવો રજૂ કરતાં કહ્યું હતું કે, 'અમુક માહિતી માટે અરજી કરતાં યુકેની સરકાર તરફથી મને એક ઈમેઈલ થકી જવાબો આપવામાં આવ્યા હતા. આ ઈમેઈલ રાહુલ ગાંધી બ્રિટનનું નાગરિકત્વ ધરાવતા હોવાનો સ્પષ્ટ સંકેત આપે છે. યુકેના કાયદાની સુરક્ષાના ભાગરૂપે યુકે સરકારે રાહુલ ગાંધીની મંજૂરી વિના સંપૂર્ણ માહિતી જાહેર કરી શકતી નથી. અરજદારે આ મામલે સીબીઆઈ તપાસ હાથ ધરી રાહુલ ગાંધીની ભારતની નાગરિકતા રદ કરવાની માગ કરી છે.'
દિલ્હી હાઈકોર્ટમાં પણ ગાંધી વિરૂદ્ધ ફરિયાદ
દિલ્હી હાઈકોર્ટમાં પણ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા ગાંધીની નાગરિકતા મુદ્દે સવાલ ઉઠાવતી અરજી કરવામાં આવી હતી. જેમાં દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું હતું કે, અલ્લાહાબાદ હાઈકોર્ટમાં નિર્ણય લેવાયા બાદ તે અંતિમ નિર્ણય જાહેર કરશે.