મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા રાહુલ ગાંધીનું એલાન, 'સત્તામાં આવીશું તો 50% અનામતની મર્યાદા હટાવીશું'
Rahul Gandhi Announcement In Maharashtra: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ નથી, છતાં તમામ રાજકીય પક્ષો ચૂંટણી મોડમાં આવી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિપક્ષી નેતા રાહુલ ગાંધી બંને મોટા નેતાઓ શનિવારે (પાંચમી ઓક્ટોબર) મહારાષ્ટ્રમાં છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ કોલ્હાપુરમાં મોટી જાહેરાત કરતા કહ્યું કે, 'જો કોંગ્રેસ સત્તામાં આવશે તો અનામતની મર્યાદા વધારવામાં આવશે.' નોંધનીય છે કે, હાલમાં આરક્ષણ પર 50 ટકાની મર્યાદા છે.
કોલ્હાપુરમાં સંવિધાન સન્માન સંમેલનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વચન આપતા કહ્યું હતું કે, 'જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે. સામાજિક-આર્થિક સર્વેક્ષણ હાથ ધરવામાં આવશે. અનામતની મર્યાદા 50 ટકાથી વધારવી જોઈએ.' અગાઉ શરદ પવારે પણ સાંગલીમાં આ જ વાત કહી હતી. આનાથી સ્પષ્ટ છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષ અનામતને મહત્ત્વનો મુદ્દો બનાવવા જઈ રહ્યો છે.
આ પણ વાંચો: ચૂંટણીના પરિણામ પહેલા જમ્મુ-કાશ્મીરમાં 5 ધારાસભ્યની નિમણૂક! LGના નિર્ણય પર કોંગ્રેસ ભડકી
'જાતિ આધારિત વસ્તી ગણતરીને કોઈ રોકી શકે નહીં'
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, 'જો કોંગ્રેસ સત્તામાં આવશે તો જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવશે. કોની કેટલી વસ્તી છે અને તેમની પાસે કેટલી આર્થિક પકડ છે. આ માટે અમે સામાજિક-આર્થિક સર્વે પણ કરીશું. ભારતના IAS ક્યાં બેઠા છે અને ક્યાં છે. પછાત દલિતો આનો સર્વે કરાવીશું અને આ બિલ પસાર થશે.
રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યો પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું, 'પહેલા પીએમ મોદી 400 પાર કહેતા હતા. ત્યારબાદ હિન્દુસ્તાનના લોકોએ કહ્યું કે તેને સ્પર્શ કરી શકશો નહીં, બાદમાં મોદીજીને બંધારણ સામે ઝૂકવું પડ્યું. બંધારણની રક્ષા કરવાના બે રસ્તા છે. જાતિ આધારિત ગણતરી અને 50 ટકા અનામતની દિવાલ તોડી. મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણનો મુદ્દો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને કોંગ્રેસ તેનો ફાયદો ઉઠાવવા માંગે છે.'