વાયનાડમાં પીડિતો માટે કોંગ્રેસની મોટી જાહેરાત, રાહુલ-પ્રિયંકા ગાંધીની મુલાકાત બાદ લેવાયો નિર્ણય
Wayanad Landslide: વાયનાડના મેપડીના પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલન થયા બાદ મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. ભયંકર તારાજીના સામે આવેલા દ્રશ્યો હૃદય હચમચાવી દે એવા છે. આ દરમિયાન લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી હતી. હવે રાહુલ ગાંધીએ શુક્રવારે (2 ઓગસ્ટ) જાહેરાત કરી છે કે કોંગ્રેસ પક્ષ તરફથી વાયનાડમાં પીડિતો માટે 100થી વધુ ઘર બનાવવામાં આવશે. નોંધનીય છે કે વાયનાડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે 275 લોકોના મોત થયા છે જેમાં અનેક પરિવારોના ઘર પણ તણાઇ ગયા છે. ઉપરાંત સતત ચોથા દિવસે પણ રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
રાહુલ ગાંધીએ તારાજી વિશે શું કહ્યું?
રાહુલ ગાંધીએ આ ભયંકર આપત્તિ વિશે વાત કરતા કહ્યું કે, હું અહીં કાલથી છું. આ એક ભયંકર આપત્તિ છે. અમે કાલે ઘટનાસ્થળની મુલાકાત પણ લીધી હતી. અમે શિબિરોમાં પણ ગયા અને ત્યાંની સ્થિતિની સમિક્ષા કરી હતી. આજે અમે વહીવટીતંત્ર તેમજ પંચાયત સાથે બેઠક કરી હતી. તેઓએ અમને મૃતકોની સંખ્યા, જર્જરિત થયેલા ઘરોની સંખ્યા અને તેમની આગામી નીતિ વિશે જાણકારી આપી હતી. અમે તેમને જણાવ્યું કે, અમે અમારા તરફથી દરેક સંભવિત સહાય કરવા તૈયાર છીએ. કોંગ્રેસ પરિવાર અહીં 100થી વધુ ઘર બનાવવાનું સંકલ્પ લે છે. મને લાગે છે કે, કેરળે ક્યારેય આ પ્રકારની તારાજી નથી જોઇ હોય અને હું આ મુદ્દો દિલ્હીમાં તેમજ અહીંના મુખ્યમંત્રી સમક્ષ પણ ઉઠાવવા જઇ રહ્યો છું. આ એક અલગ સ્તરની તારાજી છે અને આ માટે અલગ રીતે વ્યવસ્થા કરવી જોઇએ.
સ્વાસ્થ્ય મંત્રીએ શું કહ્યું?
કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જોર્જએ કહ્યું કે, બચાવ કાર્યમાં 1500 જેટલા સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે તેમજ મોટી સંખ્યામાં ફોરેન્સિક સર્જનો પણ તૈનાત છે. અત્યારે હજારો લોકો રાહત શિબિરોમાં છે જેમાંથી ઘણાં લોકો હાલ મેન્ટલ ટ્રોમામાં છે. હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો માટે વાયનાડ ઉપરાંત અન્ય જીલ્લાઓ માટે વરસાદની આગાહી પણ કરી છે. કેરળની આ ભયંકર દુર્ઘટના પર અમેરિકા, રશિયા, ચીન અને ઇરાન સહિત ઘણાં દેશોએ શોક વ્યક્ત કર્યો છે.
રાહુલ ગાંધી વાયનાડ બેઠક પરથી જીત્યા હતા
નોંધનીય છે કે, રાહુલ ગાંધીએ 2019માં વાયનાડ (Wayanad) લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતી હતી અને 2024ની લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024)માં પણ તેઓ અહીંથી ફરી જીત્યા હતા. જો કે, કોંગ્રેસ નેતા ઉત્તર પ્રદેશની રાયબરેલી લોકસભા બેઠક પરથી પણ જીત્યા હતા, બાદમાં રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક છોડવાનો નિર્ણય કર્યો હતો. હવે આ બેઠક પરથી પ્રિયંકા ગાંધી પેટાચૂંટણી લડે તેવી શક્યતા છે.