‘કોંગ્રેસ મમતા બેનર્જીનો વિરોધ કરશે કે પછી...’ રાહુલની ભારત ન્યાય યાત્રા મુદ્દે TMCના ઉગ્ર સવાલ
રાહુલ ગાંધી ભારત ન્યાય યાત્રા શરૂ કરે તે પહેલા જ ગઠબંધનની અંદરના લોકોએ વાંધા શરૂ કરી દીધા
કેટલાક કોંગી નેતા મમતા વિરોધી હોવાથી ‘ભારત ન્યાય યાત્રા’થી ચિંતિત TMCએ કોંગ્રેસ પાસે માંગી સ્પષ્ટતા
કોલકાતા, તા.29 નવેમ્બર-2023, શુક્રવાર
આગામી વર્ષે લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) યોજાવાની છે, તો તાજેતરમાં જ કોંગ્રેસે (Congress) 3 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. એટલું જ નહીં I.N.D.I.A. ગઠબંધનમાં પણ અંદરોઅંદર વિવાદ જોવા મળી રહ્યો છે. આ તમામ રાજકીય ગતિવિધિઓ વચ્ચે કોંગ્રેસે ભારત ન્યાય યાત્રા (Bharat Nyay Yatra) યોજવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) 12 જાન્યુઆરી-2024થી ભારત ન્યાય યાત્રા શરૂ કરશે. આ યાત્રા કુલ 14 રાજ્યોમાંથી પસાર થશે, જોકે 14 રાજ્યોમાં કેટલાક રાજ્યો એવા છે, જ્યાં કોંગ્રેસે પોતાના જ વિરોધીઓનો સામનો કરવો પડી શકે છે. કોંગ્રેસ ભારત ન્યાય યાત્રા શરૂ કરે તે પહેલા જ TMCએ વાંધો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. યાત્રાથી ચિંતિત બનેલી ટીએમસીએ કોંગ્રેસ પર ઘણા સવાલોના બાણ છોડવાનું શરૂ કરી દીધા છે.
ટીએમસીએ કોંગ્રેસ પાસે માંગી સ્પષ્ટતા
પશ્ચિમ બંગાળમાં ‘ભારત ન્યાય યાત્રા’ની એન્ટ્રી પહેલા ટીએમસીએ કોંગ્રેસ પાસે સ્પષ્ટતા માંગી છે. ટીએમસી નેતા કુણાલ ઘોષે (Kunal Ghosh) કહ્યું કે, ‘પશ્ચિમ બંગાળમાં યાત્રાના પ્રવેશ ટાણે કોંગ્રેસનો એજન્ડા શું હશે? શું તેઓ BJPના અત્યાચારો વિરુદ્ધ બોલશે કે પછી મમતા બેનર્જીનો વિરોધ કરશે ? પાર્ટીનો તર્ક એવો છે કે, અધીર રંજન ચૌધરી જેવા નેતાઓ સીએમ મમતા બેનર્જી (CM Mamata Banerjee)નો સતત વિરોધ કરી રહ્યા છે, તો શું કોંગ્રેસ હાઈકમાન્ડ પણ તેમના જેવું વલણ અપનાવશે ?’
રાહુલ ગાંધી 12 જાન્યુઆરીથી ભારત ન્યાય યાત્રા શરૂ કરશે
અગાઉ રાહુલ ગાંધીની આગેવાનીમાં કેરળના કન્યાકુમારીથી જમ્મુ કાશ્મીર સુધી એટલે કે દક્ષિણથી ઉત્તર સુધી ભારત જોડો યાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ 4000 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી હતી. હવે તેમણે મણિપુરથી મુંબઇ સુધી યાત્રા કાઢવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 12 જાન્યુઆરીથી ભારત ન્યાય યાત્રા શરૂ કરશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે મણિપુરના ઇમ્ફાલથી યાત્રાને લીલી ઝંડી આપશે. આ યાત્રા મણિપુરથી શરૂ થઈ નાગાલેન્ડ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત થઇને મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે. ત્યારબાદ મુંબઇમાં ભવ્ય કાર્યક્રમ યોજવાની સંભાવનાઓ છે.
અગાઉ ભારત જોડો યાત્રાથી કોંગ્રસને ફાયદો થયો, સત્તા પણ મેળવી
આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે એવામાં રાહુલ ગાંધીની આ યાત્રા રાજકીય રીતે કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. લોકસભાની ચૂંટણી એપ્રીલથી મે વચ્ચે યોજાઇ શકે છે તે પહેલા રાહુલ ગાંધીની યાત્રા પૂર્ણ થઇ જશે. ભારત જોડો યાત્રાના બીજા તબક્કાને ભારત ન્યાય યાત્રા નામ આપવામાં આવ્યું છે. ભારત જોડો યાત્રાની સૌથી પહેલા શરૂઆત 7 સપ્ટેમ્બર, 2022ના રોજ કરવામાં આવી હતી. જેનાથી કોંગ્રેસને હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને તેલંગણામાં ફાયદો થયો હતો અને સત્તા પણ મેળવી હતી. લોકોને કોંગ્રેસ સાથે જોડવામાં પણ યાત્રા મહત્વપૂર્ણ સાબિત થઇ રહી હોવાનો દાવો પક્ષના નેતાઓ કરતા આવ્યા છે. ભારત ન્યાય યાત્રાની જાહેરાત કરતા કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું હતું કે આ યાત્રાની આગેવાની રાહુલ ગાંધી લેશે. કોંગ્રેસની ન્યાય યાત્રા પગપાળા અને બસ દ્વારા પૂર્ણ કરાશે, આ દરમિયાન ૬૨૦૦ કિમીનું અંતર કાપવામાં આવશે.