રાહુલ ગાંધીની 'ભારત જોડો ન્યાય યાત્રા'ને મણિપુર સરકારની શરતી મંજૂરી, જાણો શું છે મામલો
Congress Bharat Jodo Nyay Yatra : મણિપુર સરકારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ને 10 જાન્યુઆરીએ મંજૂરી આપી દીધી હતી. આ અંગે એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે ‘મણિપુરમાં મર્યાદિત લોકોની સંખ્યા સાથે મંજૂરી અપાઈ છે.’
અગાઉ મણિપુર સરકારે ઈમ્ફાલના પેલેસ ગ્રાઉન્ડથી આ યાત્રા શરૂ કરવાની મંજૂરી આપવાની ના પાડી દીધી છે. કોંગ્રેસ મહા સચિવ કે.સી. વેણુગોપાલે કહ્યું હતું કે ‘કોંગ્રેસ યાત્રાની શરૂઆત માટે ઈમ્ફાલમાં કોઈ બીજા સ્થળની પસંદગી કરાશે.’ નોંધનીય છે કે, મણિપુર મે 2023થી જાતીય હિંસા ચાલી રહી છે, જેમાં અત્યાર સુધી 180થી વધુના મોત થઈ ચૂક્યા છે અને હજારોને ઈજા થઈ છે.
આ યાત્રા વિશે કોંગ્રેસનું શું કહેવું છે?
કોંગ્રેસનું કહેવું છે કે, આ યાત્રા સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય ત્રણેય પર કેન્દ્રિત છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે આરોપ લગાવ્યો હતો કે ‘કેન્દ્ર સરકારે ચર્ચા માટે સંસદનો દરવાજો બંધ કરી દીધો છે, એટલા માટે લોકોના અવાજ ઉઠાવવાના હેતુથી જ યાત્રા યોજવી પડી રહી છે.’
કયા રાજ્યોમાંથી પસાર થશે યાત્રા?
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં 14 જાન્યુઆરીથી 'ભારત જોડો ન્યાય યાત્રા' મણિપુરથી શરૂ થવાની છે. અંદાજિત 6,700 કિલોમીટર અંતર કાપીને આ યાત્રા 15 રાજ્યોથી પસાર થઈને મુંબઈમાં પૂર્ણ થશે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મણિપુર, નાગાલેન્ડ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સામેલ છે. ભારત જોડો ન્યાય યાત્રાને લોકસભા ચૂંટણીને જોતા મહત્ત્વની માનવામાં આવી રહી છે.
નોંધનીય છે કે, આ પહેલા રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધી ‘ભારત જોડો યાત્રા’ યોજી હતી.