'લખી લો, I.N.D.I.A. ગઠબંધનનું તોફાન આવી રહ્યું છે..', કન્નૌજથી રાહુલ ગાંધીનો હુંકાર
Lok Sabha Election 2024: લોકસભા 2024ની ચૂંટણી માટે પ્રથમ ત્રણ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે ચોથા તબક્કામાં માટે રાજકીય પક્ષો પૂરજોશમાં પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશના કન્નૌજમાં અખિલેશ યાદવની રેલીને સંબોધિત કરતા ભાજપ અને વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે 'લખી લો, ઉત્તર પ્રદેશમાં I.N.D.I.A. ગઠબંધનનું તોફાન આવી રહ્યું છે.'
ઉત્તર પ્રદેશમાં ભાજપની મોટી હાર થવા જઈ રહી છે : રાહુલ ગાંધી
આ ઉપરાંત રેલીને સંબોધિત કરતા દરમિયાન વધુમાં કહ્યું હતું કે 'તમે લખી લો કે ઉત્તર પ્રદેશમાં ભાજપની સૌથી મોટી હાર થવા જઈ રહી છે. અને યુપીમાં પરિવર્તન આવશે તો દેશમાં પરિવર્તન આવશે. રાહુલ ગાંધીએ વધુમાં અદાણી-અંબાણીનું નામ લઈને વડાપ્રધાન પર પ્રહાર કરતા કહ્યું કે 'પીએમ મોદીએ 10 વર્ષ સુધી અદાણી અને અંબાણીના નામ લીધા ન હતા, પરંતુ જ્યારે તેઓ ડરી ગયા ત્યારે તેમણે તેમના બે મિત્રોના નામ લીધા અને કહ્યું કે આવો અને મને બચાવો, I.N.D.I.A. ગઠબંધને મને ઘેરી લીધો છે.' આ સિવાય રાહુલે વધુમાં જણાવ્યું હતું કે ' આ વખતે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે નહીં.'
કન્નોજમાં જે પણ મોટું કામ થયું તે સમાજવાદી પાર્ટીની દેન : અખિલેશ યાદવ
કન્નૌજ લોકસભા મતવિસ્તારના ઉમેદવાર અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે જનસભાને સંબોધતા કહ્યું કે, 'કન્નૌજમાં જે પણ મોટું કામ થયું છે તે સમાજવાદી પાર્ટીની દેન છે. જો કોઈ હાઈવે પર મુસાફરી કરે તો તેને ખબર હશે કે આ સમાજવાદીઓનો હાઈવે છે. મને પૂરો વિશ્વાસ છે કે કન્નૌજના લોકો એવા લોકોને જવાબ આપશે જે અમારી અને તમારી વચ્ચે દિવાલ બનીને ઉભા છે.'