રાહુલ ગાંધી ‘લેટરલ એન્ટ્રી’ બાદ વધુ એક મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરવાની તૈયારીમાં, જાણો આગામી પ્લાન

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
Rahul Gandhi


Rahul Gandhi Attacks on Government : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)માં લેટરલ એન્ટ્રી વિવાદ પર વિપક્ષના વધતા દબાણ વચ્ચે મોદી સરકારે UPSC અધ્યક્ષને લેટરલ એન્ટ્રીથી સીધી ભરતી તાત્કાલિક ધોરણે બંધ કરવા માટે પત્ર લખ્યો છે. ત્યાર પછી લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ લેટરલ એન્ટ્રી અંગે ભાજપ પર પ્રહાર કર્યા હતા અને અનામતનો મુદ્દો ઉઠાવીને ફરી એકવાર ભાજપ સરકારને ઘેરવાનું શરૂ કર્યું છે.

રાહુલ ગાંધીએ શું કહ્યું?

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી કહ્યું કે, ‘અમે કોઈ પણ કિંમતે બંધારણ અને અનામત વ્યવસ્થાની સુરક્ષા કરીશું. ભાજપના લેટરલ એન્ટ્રી જેવા ષડયંત્રોને અમે કોઇપણ સ્થિતિમાં નાકામ કરીશું. હું ફરી એક વાર કહી રહ્યો છું કે, 50 ટકા અનામત મર્યાદા  હટાવીને અમે જાતિ આધારિત વસતી ગણતરીના આધારે સામાજિક ન્યાય સુનિશ્ચિત કરીશું. જય હિન્દ.’

આ પણ વાંચોઃ ઝારખંડમાં ટ્રેઈની વિમાન ક્રેશ, બે પાયલોટો ગુમ, હેલિકોપ્ટર દ્વારા શોધખોળ શરૂ

કેન્દ્રીય મંત્રીએ જાહેરાત રદ કરી

કેન્દ્રીય રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)ના અધ્યક્ષ પ્રીતિ સૂદનને પત્ર લખી લેટરલ એન્ટ્રીની જાહેરાત રદ કરી હતી. તેમણે કહ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ પછી યુપીએસસીમાં સીધી ભરતી માટેની જાહેરાત પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેથી પછાત વર્ગોને સરકારી સેવાઓમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળી શકે.’

લેટરલ એન્ટ્રી એક સીધી ભરતી પ્રક્રિયા છે જેના માધ્યમથી વિભિન્ન ક્ષેત્રોના નિષ્ણાતોને કેન્દ્ર સરકારના મંત્રાલયો તેમજ વિભાગોમાં કેટલાક નક્કી સમય માટે નિયુક્ત કરવામાં આવે છે. આ ભરતી સામાન્ય રીતે સંયુક્ત સચિવ, ડાયરેક્ટર અને ઉપ સચિવ પદો પર કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ સિક્કિમમાં ભયાનક ભૂસ્ખલનઃ તિસ્તા બંધ પરનું પાવર સ્ટેશન પણ ધરાશાયી, આખી ઘટના કેમેરામાં કેદ

ભાજપના સાથી પક્ષો હતા નારાજ 

કોંગ્રેસ ઉપરાંત ભાજપના સાથી પક્ષના નેતાઓ પણ આ મામલો ઉઠાવવા લાગ્યા હતા. કેન્દ્રમાં ટેકો આપનારા એલજેપી પાર્ટીના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પણ કહ્યું હતું કે ‘કોઇ પણ સરકારી પદ પર અનામતનો અમલ કર્યા વગર ભરતી ના કરી શકાય, હું લેટરલ એન્ટ્રીનો મામલો કેન્દ્ર સરકાર સમક્ષ ઉઠાવીશ. કોઇ પણ સરકારી પદ પર અનામતનો અમલ જરૂરી છે અને તેમાં જો ને તો ના ચાલે, મારી સમક્ષ લેટરલ એન્ટ્રીનો મામલો આવ્યો જે ખરેખર ચિંતાજનક છે. અમારો પક્ષ આ લેટરલ એન્ટ્રીના સમર્થનમાં નથી.’

બીજી તરફ, બિહારના અન્ય સત્તાધારી પક્ષ જદ(યુ)એ પણ લેટરલ એન્ટ્રી દ્વારા ભરતીનો વિરોધ કર્યો હતો. જદયુના પ્રવક્તા કે.સી. ત્યાગીએ કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકારનું આ પગલું ચિંતાજનક છે, સરકાર ખુદ સામે ચાલીને વિપક્ષને વિરોધના મુદ્દા આપી રહી છે.’ એટલું જ નહીં હમ પાર્ટીના નેતા તથા કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીએ પણ આ નિર્ણયનો વિરોધ કરતાં કહ્યું છે કે ‘હું આ મુદ્દો કેબિનેટ મીટિંગમાં ઉઠાવીશ.’


Google NewsGoogle News