ભારતની સૌથી ભ્રષ્ટ સરકાર કદાચ આસામમાં છે: રાહુલ ગાંધી
નવી મુંબઇ,તા. 18 જાન્યુઆરી 2024, ગુરુવાર
રાહુલ ગાંધીના નેતૃત્વમાં 14 જાન્યુઆરીથી શરૂ થયેલી કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા આસામ પહોંચી ગઈ છે. લોકસભા ચૂંટણી 2024 પહેલા શરૂ થયેલી ભારત જોડો ન્યાય યાત્રાનો આજે 5મો દિવસ છે.
ભારત જોડો ન્યાય યાત્રા નાગાલેન્ડથી આસામમાં પ્રવેશી છે. ત્યારે આજે રાહુલ ગાંધીએ નાગાલેન્ડના તુલીથી બસમાં ફરી મુસાફરી શરૂ કરી અને સવારે 9:45 વાગ્યે આસામમાં પ્રવેશ કર્યો હતો. આસામમાં આ યાત્રા લગભગ 17 જિલ્લામાંથી પસાર થઈને 833 કિલોમીટરનું અંતર કાપશે.
આ યાત્રા દરમિયાન શિવસાગર જિલ્લામાં હાલોવાટિંગમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતમાં કદાચ સૌથી ભ્રષ્ટ સરકાર આસામમાં છે. ભાજપ અને આરએસએસ નફરત ફેલાવી રહ્યા છે અને જનતાના પૈસા લૂંટી રહ્યા છે. અમે મુલાકાત દરમિયાન આસામના મુદ્દા ઉઠાવીશું.
આ પહેલા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન નાગાલેન્ડના મોકોકચુંગ શહેરમાં રેલીને સંબોધિત કરી હતી. અહીં તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા 9 વર્ષમાં નગા રાજકીય મુદ્દાનો ઉકેલ શોધવા માટે કંઈ કર્યું નથી. નગા લોકોને વિશ્વાસમાં લીધા વિના અને તેમની સાથે ચર્ચા કર્યા વિના આ સમસ્યાનો ઉકેલ શોધી શકાશે નહીં. આ એક ગંભીર મુદ્દો છે અને તેનો ઉકેલ લાવવો જોઈએ.
મહત્વનું છેકે, રાજ્યમાં આ યાત્રા 8 દિવસ સુધી ચાલશે. અહીં રાહુલ ગાંધી શિવસાગર જિલ્લા અને જોરહાટ જિલ્લામાં બે જાહેરસભાઓને પણ સંબોધિત કરશે. આ દરમિયાન રાહુલ ગાંધી જાહેર સભા પહેલા અહીં રોડ શો પણ કરશે. આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસની આસામ પર ખાસ નજર છે.