અમે અનામત પરથી 50 ટકાની સીમા હટાવી દઇશું: રાહુલ ગાંધીએ જાતિગત વસ્તી ગણતરીની કરી માંગ
Rahul Gandhi Prayagraj Visit : લોકસભામાં વિપક્ષ નેતા તથા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી હાલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ બંધારણનું સન્માન અને તેની રક્ષા કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ કાર્યક્રમમાં તેમણે ફરી જાતિગત વસ્તી ગણતરીની માંગ કરી છે. તેમણે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં કહ્યું હતું કે, 'મેં બે વાત કહી છે, અમે જાતિગત વસ્તી ગણતરી કરાવીશું. અને અનામતમાં જે 50 ટકા સીમા છે જે અમે માનતા જ નથી, તે હટાવી દઇશું.' આ ઉપરાંત તેઓએ વડાપ્રધાન મોદી પર નિશાન પણ સાધ્યો હતો.
જાતિગત વસ્તી ગણતરી અંગે શું બોલ્યા?
રાહુલ ગાંધીએ જાતિગત વસ્તી ગણતરી અંગે વાત કરતાં કહ્યું કે, 'જો જાતિગત વસ્તી ગણતરીનો મુદ્દો ઉઠાવવાથી રાજકારણમાં નુકસાન થશે તો પણ હું આ મુદ્દો ઉઠાવતો રહીશ. જાતીગત વસ્તી ગણતરીને રોકી શકાય એમ નથી. 50 ટકાના બેરિયરને પણ રોકી શકાય એમ નથી. પ્રજાએ મન બનાવી લીધું છે અને ઓર્ડર આપી દીધું છે. વડાપ્રધાને આ ઓર્ડર માની લેવું જોઇએ. જો પીએમ મોદી આ ઓર્ડર નહી માનશે તો આ કામ કોઇ અન્ય વડાપ્રધાને કરવું પડશે.'
વધુમાં તેમણે કહ્યું કે, 'ભારત ત્યારે જ સુપર પાવર બનસે જ્યારે 90 ટકા લોકોની ભાગીદારી હશે. તેમને સમર્થન આપવામાં આવશે. મોદીજીના આલિંગન કરવાથી ભારત સુપર પાવર નહીં બનશે.'
આ પણ વાંચોઃ મહિલાઓને ગિફ્ટમાં કપડાં-ઘડિયાળ આપનાર ભાજપ ધારાસભ્યને ચૂંટણી પંચે ફટકારી નોટિસ, જાણો કારણ
દલિત, આદિવાસી અને ઓબીસી સમુદાયનો ઉલ્લેખ કર્યો
રાહુલ ગાંધીએ જાતિગત વસ્તીગણતરી અંગે માંગ કરતી વખતે કહ્યું કે, 'દલિત, આદિવાસી કે ઓબીસી સમુદાયની કોઈ મહિલા મિસ ઈન્ડિયા બની નથી. મેં મિસ ઈન્ડિયાની લિસ્ટ કાઢી તેમાં કોઈ દલિત, આદિવાસી કે OBC મહિલા નહોતી. મીડિયામાં ક્રિકેટ કે બોલિવૂડની વાત થાય છે પણ ખેડૂત અને શ્રમિકોની વાત નથી થતી.'
વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યો
પ્રયાગરાજમાં લોકોની સંબોધિત કરતાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યો હતો. તેમણે કહ્યું કે, 'પીએમ મોદી રાજઓ મહારાજઓ જેવું મોડલ અપનાવવા માંગે છે. તેઓ પોતાની શહેનશાહ સમજે છે. તેઓ પોતાને નોન બાયોલોજિકલ સમજે છે. પીએમ મોદી રોન્ગ નંબર છે.'
પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનો ઉલ્લેખ કર્યો
આ દરમિયાન, તેમણે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સાથે જોડાયેલા જૂના કિસ્સા પણ શેર કર્યા હતા. તેમણે કહ્યું કે, 'દાદી ઇન્દિરા ગાંધીએ મને કહ્યું હતું કે હું ઇચ્છું છું કે લોકો મને યાદ ના કરે. હું યાદ રહેવા માટે કામ નથી કરતી, પરંતુ યાદ રાખવા લાયક કામ કરૂં છું.'
આ પણ વાંચોઃ UPSને મંજૂરી બાદ સરકારી કર્મચારીઓને હવે કેટલું પેન્શન મળશે? જાણો સરકારની યોજના
રાયબરેલીમાં મોચીને મળવા અંગે જણાવ્યું
કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ રાયબરેલીમાં મોચી સાથે થયેલી મુલાકાતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, 'થોડાક દિવસો પહેલા હું રાયબરેલી ગયો હતો. ત્યાં મને મોચીની દુકાન દેખાતા હું ત્યાં બેસી ગયો હતો. હું સમજવા માંગતો હતો કે તેઓ કંઇ રીતે કામ કરે છે. વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે જીવનમાં માત્ર તેમના પિતાએ તેમનું આદર કર્યું હતું અન્ય કોઇએ ક્યારેય તેમને આદર આપ્યું નહોતું. આ સાંભળ્યા બાદ હું વિચારી રહ્યો હતો કે આટલું કૌશલ્ય હોવા છતાં કોઇએ તેમને માન ન આપ્યું. દેશમાં આવા હજારો લોકો છે, જેમની સાથે આવું દરરોજ થાય છે. '