Get The App

મોદીજી ઇચ્છે તો પણ અદાણીની ધરપકડ નહીં થાય કારણ કે, ભાજપને તેમનું ફંડિંગ છે: રાહુલ ગાંધી

Updated: Nov 21st, 2024


Google NewsGoogle News
મોદીજી ઇચ્છે તો પણ અદાણીની ધરપકડ નહીં થાય કારણ કે, ભાજપને તેમનું ફંડિંગ છે: રાહુલ ગાંધી 1 - image


Rahul Gandhi On Gautam Adani Bribery Case: અમેરિકાના પ્રોસિક્યુટર અને SEC દ્વારા ગૌતમ અદાણી સહિત તેમની પેટા કંપની ગ્રીન એનર્જીના બોર્ડ સભ્યો વિરુદ્ધ 250 મિલિયન ડૉલરની છેતરપિંડી અને લાંચના આરોપો પર કોંગ્રેસના અધ્યક્ષ અને વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ગૌતમ અદાણીની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવા માંગ કરી છે. ગૌતમ અદાણીના રૂ. 2000 કરોડના  કૌભાંડ અંગે રાહુલ ગાંધીએ કહ્યું છે કે, હવે તો અમેરિકાએ પણ અદાણી વિરુદ્ધ ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા છે. અદાણીએ ભ્રષ્ટાચાર કરીને મિલકતો ઊભી કરી છે. તેઓ ભાજપનું સમર્થન કરે છે અને આ બધું જ જગજાહેર છે. આમ છતાં, હિન્દુસ્તાનમાં અદાણી વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં થાય કારણ કે, ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને સુરક્ષા પૂરી પાડી રહ્યા છે. 

ભાજપનું સંપૂર્ણ ફંડિંગ અદાણીનું હોવાનો પણ દાવો   

ભાજપનું સંપૂર્ણ ફંડિંગ અદાણી કરતાં હોવાનો દાવો કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘મોદીજી કહે છે કે, દેશમાં કોઈ ક્રાઇમ કરે તો જેલમાં ધકેલી દઈશું. હવે તો અમેરિકન એજન્સી કહે છે કે, અદાણીએ ગુનો કર્યો છે, લાંચ આપી છે, ભારતમાં પણ ભ્રષ્ટાચાર કર્યો છે, અદાણીએ ઊંચા ભાવે વીજળી આપી છે. તો પણ તેમને કશું થતું નથી અને વડાપ્રધાન ઇચ્છે તો પણ કંઈ કરી શકે એમ નથી કારણ કે, ભાજપનું સંપૂર્ણ ફંડિંગ અને ફંડિંગ સ્ટ્રક્ચર અદાણીના હાથમાં છે. અદાણીએ હિંદુસ્તાનને હાઇજેક કરી લીધું છે, હિંદુસ્તાન અદાણીની પકડમાં છે.’


આ પણ વાંચો : અદાણી વિરુદ્ધ અમેરિકામાં લાંચ-છેતરપિંડીનો કેસ: સૌર ઊર્જાના કોન્ટ્રાક્ટ માટે ભારતમાં અધિકારીઓને બે હજાર કરોડ આપ્યાનો આરોપ

દેશમાં ફક્ત નાના ગુનેગારો જેલમાં જાય છે 

રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ આકરા પ્રહારો કરતાં કહ્યું છે કે, 'ગૌતમ અદાણીએ દેશની સંપત્તિનો ઉપયોગ કરી ભ્રષ્ટાચાર આચર્યો છે, પરંતુ તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં થાય. શ્રીલંકા, બાંગ્લાદેશ, કેન્યામાં અદાણી વિરુદ્ધ તપાસ થઈ રહી છે, પરંતુ હિંદુસ્તાનમાં અદાણી વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી નહીં થાય કારણ કે તેમની સાથે મોદીજી છે. દેશમાં યુવાનોને રોજગારી નથી મળતી, મોંઘવારી વધી રહી છે અને નાના લોકોને જેલ થઈ જાય છે. એક વ્યક્તિ રૂ. 10-15 કરોડનું કૌભાંડ કરે તો તેમને જેલની સજા થાય છે. અમે અદાણીના ભ્રષ્ટાચારની તપાસની સતત માગ કરી રહ્યા છીએ.’

મોદીજી અને અદાણીજીની પાર્ટનરશિપનો આરોપ  

મોદીજી અને અદાણીની પાર્ટનરશિપ છે એવું કહીને રાહુલ ગાંધીએ ગંભીર આરોપ મૂક્યા હતા. તેમણે કહ્યું કે, ‘હિંદુસ્તાનના ઍરપૉર્ટ, પૉર્ટ્સ અને ડિફેન્સ બધું જ અદાણીજીના હાથમાં છે. જો કે, મોદીજી અદાણીની ધરપકડ નહીં કરી શકે. હિંદુસ્તાનના વડાપ્રધાનમાં એ ક્ષમતા નથી કારણ કે, જે દિવસે અદાણીની ધરપકડ થઈ ત્યારે તેઓ પણ જેલમાં જશે.’

મોદીજીની છબી ચૂર ચૂર કરી દીધી હોવાનો પણ દાવો  

આ દરમિયાન રાહુલ ગાંધીને સવાલ કરાયો હતો કે, સરકાર અને અદાણી પર સતત આરોપો પછીયે કશું થયું નથી? જો કે, આ સવાલને અધવચ્ચે જ અટકાવતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘એવું નથી કે કંઈ થયું જ નથી. અમે મોદીજીની છબી ચૂર ચૂર કરી દીધી છે. અમે ધીમે ધીમે એક ભ્રષ્ટ નેટવર્કનો પર્દાફાશ કરી રહ્યા છીએ અને માધબી પુરી બુચ તેનું ઉદાહરણ છે. અમને સરકારી એજન્સીઓની પણ કોઈ મદદ નથી કારણ કે, તેનો કંટ્રોલ મોદીજીના હાથમાં છે. અમે સાબિત કરી જ દીધું છે કે, અદાણી અને મોદી એક જ છે. મોદીજી ભ્રષ્ટ છે અને અદાણી તેના બેકમેન છે. આ લોકોએ દેશ હાઇજેક કરી લીધો છે પણ અમે અમારી જોબ કરીએ છીએ, વિપક્ષી નેતાઓ સક્રિય છે, અનેક એક્ટિવિસ્ટ પણ કામ કરી જ રહ્યા છે. મને ખાતરી છે કે, એક દિવસ ભ્રષ્ટાચારનું આ માળખું તૂટી જશે.’

માધબી બુચને હટાવવાની રાહુલ ગાંધીની માગ

રાહુલ ગાંધીએ સેબીના વડા માધબી પુરી બુચના કિસ્સાને પણ યાદ કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘સેબીના વડા માધબી પુરી બુચ જ અદાણીની કંપનીઓને રક્ષણ આપી પાડી રહ્યા છે. હજુ સુધી તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કે તપાસ થઈ રહી નથી. કોંગ્રેસે માધબી પુરી બુચને હટાવીને યોગ્ય લાયકાત ધરાવતા પ્રામાણિક વ્યક્તિને સેબીના વડા તરીકે બેસાડવાની માગ કરી છે. માધબી પુરી બુચનું કામ રિટેલ શેરધારકોને બચાવવાનું છે, પરંતુ તેઓ એક વ્યક્તિની કંપનીઓને રક્ષણ આપી રહ્યા છે અને તેમાં રોકાણ પણ કરી રહ્યા છે.’ 

આ પણ વાંચો : અમેરિકામાં ગંભીર આરોપ: અદાણી ખુદ ભારતીય અધિકારીઓને લાંચ આપવા જતાં, ફોન ટ્રેકિંગથી નજર રાખતા

વીજળી મોંઘી થવા પાછળનું કારણ અદાણીનો ભ્રષ્ટાચાર

વીજળી મોંઘી થઈ રહી હોવાનો આરોપ પણ રાહુલ ગાંધીએ અદાણી જૂથ પર આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે, ‘ભારતમાં વીજળી મોંઘી થઈ રહી છે કારણકે, અદાણી ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. અમેરિકાના પ્રોસિક્યુટર દ્વારા રજૂ કરાયેલા પુરાવામાં દર્શાવેલા રાજસ્થાન, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં પણ 2024માં તેમના પ્રોજેક્ટ શરુ થયા હતા. અમેરિકામાં રોકાણકારોને ખોટું બોલી ફંડ લીધું તો અમેરિકાના કમિશને સવાલ ઉઠાવ્યો અને તપાસ શરુ કરી, જ્યારે અદાણી ગ્રૂપના શેરબજારમાં ભારતીય રોકાણકારોને અન્યાય કરી રહ્યા હોવા છતાં સેબી અને સરકાર કશું જ નથી કરી રહ્યા.’ 

અમેરિકાની કોર્ટમાં રજૂ થયેલા આરોપના મુખ્ય અંશ

- વર્ષ 2020થી 2024ની વચ્ચે અદાણીએ ભારત સરકારનો સોલાર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા અધિકારીઓને 25 કરોડ ડૉલર લાંચ આપવા તૈયાર થયા. પછી એક ભારતીય અધિકારી સાથે મુલાકાત કરી. સાગર અદાણી અને વિનીતે સ્કીમ માટે મીટિંગ રાખી. 

- બાદમાં લાંચની રકમ ભેગી કરવા માટે અદાણીએ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના કોન્ટ્રાક્ટના નામે અમેરિકાના રોકાણકારો પાસેથી ત્રણ બિલિયન ડૉલરનું ફંડ ભેગું કર્યું. 

- બાદમાં FBI અને યુએસ સિક્યુરિટીઝ એન્ડ એક્સ્ચેન્જ કમિશનની તપાસ રોકવાના પણ પ્રયાસ કર્યા. સ્કીમથી જોડાયેલા ઈમેલ, મેસેજ અને એનાલિસિસ ડિલીટ કરી દેવામાં આવ્યા. 

- આમ ટૂંકમાં સોલાર એનર્જીની એક યોજનામાં કોન્ટ્રાક્ટ મેળવવા માટે અદાણીએ ભારતના અધિકારીઓને અબજો રૂપિયાની લાંચ આપવાનો વાયદો કર્યો. બાદમાં અમેરિકામાં રોકાણકારોથી ખોટું બોલીને ફંડ ભેગું કર્યું. બાદમાં તપાસમાં અડચણ ઊભી કરવાના પ્રયાસ પણ કર્યા.

મોદીજી ઇચ્છે તો પણ અદાણીની ધરપકડ નહીં થાય કારણ કે, ભાજપને તેમનું ફંડિંગ છે: રાહુલ ગાંધી 2 - image


Google NewsGoogle News