દેશમાં UPSCના બદલે RSS દ્વારા થઈ રહી છે ભરતી, રાહુલ ગાંધીનો મોદી સરકાર પર ગંભીર આરોપ

Updated: Aug 18th, 2024


Google NewsGoogle News
દેશમાં UPSCના બદલે RSS દ્વારા થઈ રહી છે ભરતી, રાહુલ ગાંધીનો મોદી સરકાર પર ગંભીર આરોપ 1 - image


Rahul Gandhi Attack On Modi Government : લોકસભામાં વિપક્ષી નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ દેશમાં UPSCના બદલે RSS દ્વારા ભરતી કરાતી હોવાનો મોદી સરકાર પર ગંભીર આરોપ કર્યો છે. તેમણે જુદા જુદા મંત્રાલયોમાં ‘લેટરલ એન્ટ્રી’ દ્વારા સંયુક્ત સચિવો, નિદેશકો અને નાયબ સચિવોની મુખ્ય પોસ્ટ પર ટૂંક સમયમાં 45 નિષ્ણાતોને નિમણૂક કરવાના નિર્ણયની ટીકા કરી છે.

એસસી, એસટી, ઓબીસીનું અનામત છિનવવામાં આવ્યું : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે, લેટરલ એન્ટ્રી દ્વારા મહત્વની પોસ્ટો પર ભરતી કરી અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગો (OBC) કેટેગરીનું જાહેરમાં અનામત છિનવવામાં આવી રહ્યું છે. તેમણે કેન્દ્ર સરકારના આ નિર્ણયને વહીવટી માળખું અને સામાજિક ન્યાયને નુકસાન પહોંચવાનો નિર્ણય ગણાવ્યો છે અને કહ્યું છે કે, કેન્દ્ર સરકારના આ દેશવિરોધી પગલાનો ઈન્ડિયા ગઠબંધન મજબૂતી સાથે વિરોધ કરશે.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરી મોદી સરકાર પર નિશાન સાધ્યું

રાહુલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું છે કે, ‘નરેન્દ્ર મોદી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ના બદલે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા જાહેર સેવકોની ભરતી કરી બંધારણને નુકસાન પહોંચાડી રહ્યા છે. કેન્દ્ર સરકારના જુદા જુદા મંત્રાલયોના મહત્વના હોદ્દાઓ પર લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી કરી એસસી, એસટી અને ઓબીસીનું જાહેરમાં અનામત છિનવવામાં આવી રહ્યું છે. હું હંમેશા કહેતો રહ્યો છું કે, ટૉપ બ્યૂરોક્રેસી સહિત દેશના તમામ મુખ્ય હોદ્દાઓ પર વંચિતોનું પ્રતિનિધિત્વ નથી, જેમાં સુધારો કરવાના બદલે લેટરલ એન્ટ્રી કરી મુખ્ય હોદ્દાઓ પરથી તેઓને દૂર કરવામાં આવી રહ્યા છે. આ નિર્ણય યુપીએસસીની તૈયારી કરી રહેલા પ્રભાવશાળી યુવાઓનો હક છિનવી લેવાનો અને વંચિતોના અનામત સહિત સામાજિક ન્યાયની પરિકલ્પનાને નુકસાન પહોંચાવનો છે.’

રાહુલ ગાંધીએ વધુમાં લખ્યું છે કે, ‘કેટલાક કોર્પોરેટ્સના પ્રતિનિધિ મહત્વના સરકારી હોદ્દાઓ પર બેસીને શું કારનામા કરશે, તેનું તાજેતરનું ઉદાહરણ SEBI છે, જ્યાં ખાનગી ક્ષેત્રમાંથી આવનારને પ્રથમવાર ચેરપર્સન બનાવાયા. ઈન્ડિયા ગઠબંધન વહીવટી માળખાને અને સામાજિક ન્યાયને નુકસાન પહોંચાડતા આ દેશ વિરોધી નિર્ણયનો મજબૂતી સાથે વિરોધ કરશે. આઈએએસનું ખાનગીકરણ અનામત ખતમ કરવાની મોદીની ગેરંટી છે.’

આ પણ વાંચો : UPSCમાં સીધી ભરતીની જાહેરાત પર વિપક્ષ ભડક્યો, મોદી સરકારને અનામત વિરોધી ગણાવી

જાહેર સેવા આયોગે જાહેરાત આપી હતી

ઉલ્લેખનીય છે કે, ટૂંક સમયમાં કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોમાં સંયુક્ત સચિવો, નિર્દેશકો અને નાયબ સચિવોના મુખ્ય પદો પર 45 નિષ્ણાતોની નિમણૂક થવાની છે. સામાન્ય રીતે આવા હોદ્દાઓ પર અખિલ ભારતીય સેવાઓ ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય પોલીસ સેવા (IPS) અને ભારતીય વન સેવા (IFOS) અને અન્ય ગ્રુપ-A સેવાઓના અધિકારીઓને તહેનાત કરવામાં આવે છે.

UPSCએ 45 હોદ્દા ભરવા માટે આપી હતી જાહેરાત

યુનિયન પબ્લિક સર્વિસ કમિશને શનિવારે 45 હોદ્દાઓ માટે જાહેરાત આપી હતી, જેમાં 10 સંયુક્ત સચિવ અને 35 નિયામક/નાયબ સચિવ પદનો સમાવેશ થાય છે. આ હોદ્દાઓ કોન્ટ્રાક્ટ થકી લેટરલ એન્ટ્રી દ્વારા ભરવામાં આવશે. જાહેરાતમાં કહેવાયું છે કે, ‘ભારત સરકાર લેટરલ એન્ટ્રી દ્વારા સંયુક્ત સચિવ અને નિયામક/નાયબ સચિવ સ્તરના અધિકારીઓની ભરતી કરવા માંગે છે. આમ સંયુક્ત સચિવ અથવા નિયામક/નાયબ સચિવના સ્તરે સરકારમાં જોડાવા માટે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા ઈચ્છતા પ્રતિભાશાળી ભારતીય નાગરિકો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.’

આ પણ વાંચો : દર બે કલાકે આપો રિપોર્ટ: કાયદો વ્યવસ્થાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રાલયનો તમામ રાજ્યોને કડક આદેશ


Google NewsGoogle News