પહલગામ હુમલા મામલે રાહુલ ગાંધીનો PM મોદીને પત્ર, સંસદનું વિશેષ સત્ર બોલાવવા માંગ
Pahalgam Terror Attack: પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંસદના બંને ગૃહોનું ખાસ સત્ર બોલાવવા વિનંતી કરી છે. જેથી આતંકવાદ સામે સામૂહિક સંકલ્પ અને ઇચ્છાશક્તિ વ્યક્ત કરી શકાય. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદીને પત્ર લખીને સંસદના બંને ગૃહોનું વિશેષ સત્ર શક્ય તેટલી વહેલી તકે બોલાવવા વિનંતી કરી છે. પત્રમાં લખ્યું છે કે, 'આ નિર્ણાયક સમયે ભારતે બતાવવું જોઈએ કે આપણે હંમેશા આતંકવાદ સામે એક છીએ.'
અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને પત્ર લખ્યો
બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ પીએમ મોદીને પત્ર લખીને અપીલ કરી છે. આ પત્ર શેર કરતા કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું, 'કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે રાત્રે વડાપ્રધાનને પત્ર લખીને વિનંતી કરી હતી કે 22મી એપ્રિલ 2025ના રોજ પહલગામમાં થયેલા ક્રૂર આતંકી હુમલાથી ઊભી થયેલી પરિસ્થિતિનો સામનો કરવા માટે સામૂહિક ઇચ્છાશક્તિ દર્શાવવા માટે શક્ય તેટલી વહેલી તકે સંસદના બંને ગૃહોનું ખાસ સત્ર બોલાવવામાં આવે.'
ખડગેએ પત્રમાં લખ્યું કે, 'આ સમયે એકતા જરૂરી છે અને આવી સ્થિતિમાં, વિપક્ષ માને છે કે સંસદના બંને ગૃહોનું વિશેષ સત્ર શક્ય તેટલી વહેલી તકે બોલાવવું જોઈએ. આ 22મી એપ્રિલ 2025ના રોજ પહલગામમાં નિર્દોષ નાગરિકો પર થયેલા ક્રૂર આતંકી હુમલાનો સામનો કરવા માટે આપણા સામૂહિક સંકલ્પ અને ઇચ્છાશક્તિની મજબૂત અભિવ્યક્તિ હશે. અમને આશા છે કે સત્ર બોલાવવામાં આવશે.'
આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરમાં 48 રિસોર્ટ અને પ્રવાસન સ્થળો બંધ, પહલગામ હુમલા બાદ મોટો નિર્ણય
પહેલગામ આતંકી હુમલા સામે આક્રોશ
ઉલ્લેખનીય છે કે, 22મી એપ્રિલના રોજ પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મૃત્યુ નીપજ્યા હતા. મૃતકોમાં મોટાભાગના ભારતના વિવિધ રાજ્યોના પ્રવાસીઓ હતા. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ઉપપ્રમુખ જેડી વેન્સ, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન, બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટોર્મર, ઈટલીના વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોની, ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન, ઈઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ અને યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ સહિત વૈશ્વિક નેતાઓએ પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી અને ભારત સાથે સંવેદના અને એકતા વ્યક્ત કરી.