‘ન્યાય યાત્રામાં સામેલ ન થવા લોકોને ધમકી...’ રાહુલ ગાંધીનો આસામ સરકાર પર આરોપ
કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ આજે આઠમા દિવસે આસામ પહોંચી
આસામ પહોંચેલા રાહુલ ગાંધીએ ભાજપ અને CM સરમા પર સાધ્યું નિશાન
Bharat Jodo Nyay Yatra : કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા આજે આઠમાં દિવસે આસામ પહોંચી છે. મણિપુર (Manipur)થી શરૂ થયેલી યાત્રા અરૂણાચલ પ્રદેશ (Arunachal Pradesh) થઈ આસામ (Assam) બોર્ડર પર રાજગઢ-હોલોંગી વિસ્તાર પહોંચ્યા બાદ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ આસામ સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા છે.
‘ભાજપ ધમકી આપી રહી છે’
વિશ્વનાથ ચરિયાલીમાં એક જનસભામાં રાહુલ ગાંધીએ આજે કહ્યું કે, ભાજપના નેતૃત્વ હેઠળની સરકાર ન્યાય યાત્રામાં સામેલ ન થવા લોકોને ધમકી આપી રહી છે અને યાત્રા રૂટ પરના કાર્યક્રમોને મંજૂરી આપવાનો પણ ઈન્કાર કરી રહી છે. BJP ધમકી આપી રહી છે, પરંતુ લોકો તેનાથી ડરતા નથી. તેમણે દાવો કર્યો કે, આગામી ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ ભારે અંતરથી જીતીશું.
‘હું યાત્રામાં લાંબા ભાષણો કરતો નથી’
રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘હું યાત્રામાં લાંબા ભાષણો કરતો નથી. અમે દૈનિક સાત-આઠ કલાક યાત્રા કરીએ છીએ. તમારા મુદ્દાઓને સાંભળીએ છીએ અને અમારો ઉદ્દેશ્ય તે મુદ્દાઓને ઉઠાવવાનો છે. તેઓ (સરકાર) વિચારે છે કે, લોકોને દબાવી શકીએ છીએ, પરંતુ તેઓ જાણતા નથી કે, આ રાહુલ ગાંધીની યાત્રા નથી, આ લોકોનો અવાજ ઉઠાવવાની યાત્રા છે. ’
‘CM સરમાને દેશના સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી’
તેમણે આક્ષેપ કર્યો કે, યાત્રા સામેલ ન થવા લોકોને ધમકી અપાઈ રહી છે અને યાત્રાના રૂટ પર કાર્યક્રમો યોજવા મંજૂરી આપવાનો પણ ઈન્કાર કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, રાજ્યમાં કોંગ્રેસના ઝંડા અને બેનરોને નુકસાન કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી અને આસામનો લોકો તમારાથી ડરતા નથી. તમારે જે કરવું હોય તે કરો. જ્યારે ચૂંટણી યોજાશે, તો કોંગ્રેસ ભાજપને મોટા અંતરથી હરાવશે. રાહુલ ગાંધીએ હિમંતા બિસ્વા સરમાને દેશના સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી ગણાવ્યા છે.
બાળકથી પણ ડરવાનું શરૂ : CM સરમા
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા (CM Himanta Biswa Sarma)એ તાજેતરમાં જ કહ્યું હતું કે, ‘રાહુલ ગાંધી પહેલા મારાથી ડરતો હતો, હવે મારા બાળકોથી પણ ડરવાનું શરૂ કરી દીધું.’ જેનો વળતો જવાબ આપતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘તેઓ પોતે ડરેલા છે, કારણ કે મુખ્યમંત્રી ભ્રષ્ટ છે.’