ભ્રષ્ટાચાર મુદ્દે રાહુલ ગાંધીના ભાજપ પર પ્રહાર, વડાપ્રધાન મોદીને ટાંકીને કહ્યું- ‘જો અમે જીત્યા તો...’
Lok Sabha Elections 2024 | લોકસભા ચૂંટણી જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ રાજનેતાઓના એકબીજા પર કટાક્ષ અને પ્રહાર પણ તીખાં થતાં જઈ રહ્યા છે. કોંગ્રેસ (Congress)ના નેતા રાહુલ ગાંધીએ આ વખતે સીધા વડાપ્રધાન મોદી (PM Modi)પર પ્રહાર કરતાં આરોપ મૂક્યો કે વડાપ્રધાન મોદી દેશમાં ભ્રષ્ટાચારની શાળા ચલાવી રહ્યા છે જેમાં તે પોતે ભ્રષ્ટાચાર વિજ્ઞાન વિષય હેઠળ 'ચંદે કા ધંધા' સહિત દરેક ચેપ્ટર જાતે શીખવી રહ્યા છે.
રાહુલ ગાંધીએ તપાસ એજન્સીઓને પણ લપેટી
કોંગ્રેસે ચૂંટણી પ્રચાર માટે જાહેર કરેલા એક વીડિયોમાં રાહુલ ગાંધી આમ કહી રહ્યા છે. આ વીડિયોમાં ચૂંટણી બોન્ડનો પણ ઉલ્લેખ છે. આ વીડિયોમાં તેઓ કહે છે કે, કેન્દ્રીય તપાસ એજન્સીઓ પણ દરોડા પાડીને પણ ફક્ત દાનની રકમ એકઠી કરી રહી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતાં રાહુલે લખ્યું કે દરોડા પાડીને દાન કેવી રીતે લેવાય? દાન લઇને કોન્ટ્રાક્ટ કેવી રીતે અપાય? ભ્રષ્ટ લોકોના દાગ દૂર કરવાની મશીન કેવી રીતે ચાલે છે? કેવી રીતે તપાસ એજન્સીઓને રિકવરી એજન્ટ બનાવી જામીન અને જેલનો ખેલ રમાય છે? ભ્રષ્ટાચારીઓનો અડ્ડો બની ગયેલા ભાજપે તેના નેતાઓને આ ક્રેશ કોર્સ શીખવાડી દીધો છે જેની કિંમત હવે દેશ ભોગવી રહ્યો છે.
રાહુલ ગાંધીનો આકરો મિજાજ
રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે કેન્દ્રમાં I.N.D.I.A. ગઠબંધનની સરકાર આવશે ત્યારે અમે આ સ્કૂલ પર તાળું મારી હંમેશા માટે આ કોર્સ બંધ કરી દઈશું. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી આજે બિહાર પહોંચ્યા હતા અને ભાગલપુરમાં પણ તેઓ રેલી સંબોધવાના છે. આ રેલીમાં વિપક્ષી ગઠબંધનના અન્ય નેતાઓ પણ સામેલ થવાના છે.