મોદી-શાહે 4 જૂન પહેલા શેર ખરીદવાનું કહ્યું હતું, રાહુલ ગાંધીની માગ પ્રમાણે તપાસ થાય તો શું થશે?

Updated: Jun 6th, 2024


Google NewsGoogle News
મોદી-શાહે 4 જૂન પહેલા શેર ખરીદવાનું કહ્યું હતું, રાહુલ ગાંધીની માગ પ્રમાણે તપાસ થાય તો શું થશે? 1 - image


Rahul Gandhi Demand Probe on Stock Market: રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલ અને પરિણામોના દિવસે શેરબજારમાં મોટી ઉથલપાથલ મામલે તપાસની માંગ કરી છે. આજે (છઠ્ઠી જૂન) યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ શેરબજારમાં મોટુ કૌંભાંડ થયુ હોવાની આશંકા દર્શાવતાં તપાસની માગ કરી છે. રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે, લોકસભા ચૂંટણી દરમિયાન અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને શેરબજારમાં રોકાણ કરવા કેમ કહ્યું હતું. બાદમાં 4 જૂને મોટો કડાકો નોંધાતાં લોકોના 30 લાખ કરોડથી વધુ ધોવાઈ ગયા હતા.' આ મામલે તેમણે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (JPC)તપાસની માંગ કરી છે.

જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી શું છે?

જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (JPC) સંસદની કમિટી છે. કોઈપણ મોટા કેસની તપાસ માટે સંસદના લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોમાં પ્રસ્તાવ પસાર કરવામાં આવે છે અને તે મુજબ બંને ગૃહોના સભ્યોની બનેલી કમિટીની રચના કરવામાં આવે છે. આ કમિટી પાસે અપાર સત્તા હોય છે અને તે કોઈપણ વ્યક્તિ પાસેથી કેસ સંબંધિત કોઈપણ દસ્તાવેજ મેળવી શકે છે. આ કમિટી ગૃહના અધ્યક્ષની મંજૂરીથી મંત્રીઓને હાજર થવા માટે પણ બોલાવી શકે છે. 

બોફોર્સ કૌભાંડ અને જેપીસી

વર્ષ 1980-90ના સમયમાં દેશમાં બોફોર્સ કૌભાંડની તપાસ માટે પ્રથમ વખત જેપીસીની રચના કરવામાં આવી હતી. આ કમિટીની 50થી વધુ બેઠકો યોજાઈ હતી અને તેમણે 26મી એપ્રિલ 1988ના રોજ સંસદમાં રિપોર્ટ રજૂ કર્યો હતો. પરંતુ વિપક્ષે તેને ફગાવી દીધો હતો.

વર્ષ 1992માં હર્ષદ મહેતા શેરબજાર કૌભાંડની તપાસ માટે જેપીસીની રચના કરવામાં આવી હતી. જેપીસી રિપોર્ટ આવ્યાના પાંચ વર્ષ બાદ એક વિશેષ કોર્ટની રચના કરવામાં આવી અને કેસોની સુનાવણી શરૂ થઈ. કમિટીની તમામ ભલામણો ક્યારેય લાગુ કરવામાં આવી ન હતી. ત્યારબાદ વર્ષ 2001માં કેતન પારેખ કૌભાંડની તપાસ માટે જેપીસીની રચના કરવામાં આવી હતી. આ કૌભાંડ પણ બેન્કો અને સ્ટોક બ્રોકરોની મિલીભગતને કારણે થયું હતું. જેપીસીની રચના 2003માં સોફ્ટ ડ્રિંક પેસ્ટીસાઇડ્સના મુદ્દે કરવામાં આવી હતી.

પીએમ મોદીના કાર્યકાળમાં જેપીસીની રચના થઈ નથી

દેશના સંસદીય ઈતિહાસમાં પાંચમી વખત મનમોહન સિંહ સરકાર દરમિયાન 2જી સ્પેક્ટ્રમ કૌભાંડની તપાસ માટે જેપીસીની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ અગસ્તા વેસ્ટલેન્ડ ચોપરગેટ કૌભાંડમાં પણ જેપીસીની રચના કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના છેલ્લા 10 વર્ષના કાર્યકાળ દરમિયાન કોઈપણ કૌભાંડને લઈને જેપીસીની રચના થઈ નથી. જો કે, જેપીસીની રચના 2015માં જમીન સંપાદન બિલ અને 2019માં પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ માટે કરવામાં આવી હતી.

આ પણ વાંચો: શેરબજારમાં રોકાણકારોના 30 લાખ કરોડ ડૂબ્યા, મોદી-શાહે લોકોને ગેરમાર્ગે દોર્યા, રાહુલની તપાસની માંગ



Google NewsGoogle News