'રાહુલ ગાંધી હવે વીર સાવરકર પર કોઈ ટિપ્પણી નહીં કરે...', પ્રિયંકા ચતુર્વેદીનું મોટું નિવેદન
Priyanka Chaturvedi: શિવસેના (UBT) રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ ફરીથી નિવેદન આપ્યું છે. પ્રિયંકાએ કહ્યું છે કે, "આનાથી મનોબળ થોડું તૂટ્યું છે, પરંતુ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં INDI એલાયન્સ જીત મેળવશે. હરિયાણામાં ગઠબંધન થવું જોઈતું હતું, કેમ ન થયું તે અંગે તેમણે વિચાર કરવો પડશે. મારુ માનવું છે કે, સમયાંતરે I.N.D.I.A. મીટિંગ થવી જોઈએ."
દશેરા પછી ઉમેદવારોની યાદી જાહેર કરશે: પ્રિયંકા ચતુર્વેદી
પ્રિયંકા ચતુર્વેદીએ એમ પણ કહ્યું કે, "રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધનના સીએમ ચહેરો નક્કી થઈ જાય તે માટે અમારી પાર્ટી કોશિશ કરી રહી છે. અમે અમારા ઉમેદવારોની યાદી દશેરા પછી જાહેર કરીશું."
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા વીર સાવરકર પર ટિપ્પણી બાબતે વાત કરતાં તેમણે કહ્યું કે, "રાહુલ ગાંધી હવે વીર સાવરકર પર બોલતા નથી. પહેલા જ્યારે તેઓ બોલ્યા હતા ત્યારે અમે I.N.D.I.A. બેઠકમાં વાંધો ઉઠાવ્યો હતો. હવે રાહુલ ભવિષ્યમાં સાવરકર વિશે નહીં બોલે. મહારાષ્ટ્રમાં અમારી મજબૂત સરકાર આવશે જે તોડવાના પ્રયાસ કરવામાં આવશે તો પણ નહીં તૂટે."
મહારાષ્ટ્ર અને હરિયાણાના મુદ્દા ખૂબ જ અલગ છે: પ્રિયંકા ચતુર્વેદી
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા મંગળવારે પ્રિયંકા ચતુર્વેદીએ હરિયાણા ચૂંટણીમાં કોંગ્રેસની હારની મહારાષ્ટ્ર પર કોઈ અસર નહીં થાય તેવું કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચૂંટણીના મુદ્દા ખૂબ જ અલગ છે. પ્રિયંકાએ દાવો કર્યો હતો કે હરિયાણાથી વિપરીત મહારાષ્ટ્રમાં સત્તારૂઢ ગઠબંધન 'છેતરપિંડી' દ્વારા સત્તામાં છે. મહારાષ્ટ્રના લોકોને એ વાત પસંદ નથી કે બે પક્ષો (શિવસેના અને એનસીપી) તૂટી ગયા, જેના કારણે અનેક રાજકીય સંગઠનો બન્યા.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય મુકાબલો BJP + શિવસેના + NCP અને કોંગ્રેસ + NCP (SP) + શિવસેના (UBT) ની મહાવિકાસ અઘાડી વચ્ચે છે.