રાહુલ દેશના નંબર વન આતંકી કેન્દ્રીય મંત્રીનું વિવાદિત નિવેદન
રાહુલ મુસ્લિમો બાદ હવે શીખોમાં ભાગલા પાડવા માગે છે : બિટ્ટૂ
એક પણ શીખ એમ કહી દે કે તેને કડુ કે પાઘડી પહેરતા અટકાવાય છે તો હું ભાજપ છોડી દઉ : કેન્દ્રીય મંત્રી
ભાગલપુર: કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા રવનીત બિટ્ટૂએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને લઇને વિવાદિત નિવેદન આપ્યું હતું, બિટ્ટૂએ વિપક્ષના નેતા રાહુલ ગાંધીને દેશના નંબર વન આતંકવાદી કહ્યા હતા. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે રાહુલે શીખો વચ્ચે ભાગલા પાડવાનો પ્રયાસ કર્યો છે. તેઓ દેશના નંબર વન આતંકી છે. તેમના પર તો ઇનામ જાહેર થવું જોઇએ.
ભાગલપુરમાં કેન્દ્ર સરકારના મંત્રી બિટ્ટૂએ કહ્યું હતું કે અહીંયા ઉપસ્થિત શીખો મને જણાવે કે શું તેમને કોઇએ પાઘડી પહેરતા કે કડુ પહેરતા અટકાવ્યા? કોઇએ તમને કહ્યું કે તમે ગુરૂદ્વારા નહીં જઇ શકો? એક પણ શીખ સાથે આવુ થયું હોય તો અહીંયા આવીને જાહેર કરી દે હું ભાજપમાંથી રાજીનામુ આપી દઇશ. સળગાવવા માટે પહેલા મુસ્લિમોનો ઉપયોગ કરવાનો પ્રયાસ થયો જેમાં સફળતા ના મળતા હવે સરહદે દેશની સુરક્ષા કરી રહેલા શીખોમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે વધુમાં આરોપ લગાવ્યો હતો કે જે લોકો દેશના ભાગલા પાડવા માગતા હતા તેઓએ રાહુલ ગાંધી જેવુ નિવેદન આપ્યું હતું, બોમ્બ બનાવનારા અલગતાવાદીઓએ હવે રાહુલ ગાંધીના નિવેદનના વખાણ કર્યા છે. નોંધનીય છે કે રાહુલ ગાંધીએ અમેરિકામાં એક નિવેદન આપતા કહ્યું હતું કે શીખોને કડુ કે પાઘડી પહેરતા રોકવામાં આવી રહ્યા છે. તેમના આ નિવેદનના વખાણ ખાલિસ્તાની પન્નૂએ કર્યા હતા. જેને ટાંકીને કેન્દ્રીય મંત્રી બિટ્ટૂએ રાહુલ ગાંધી પર આ ગંભીર આરોપો લગાવ્યા હતા અને તેમને દેશના નંબર વન આતંકવાદી કહી દીધા હતા.