Get The App

રાહુલ ભટ્ટની હત્યા મામલે કાશ્મીરી પંડિતોનું વિરોધ પ્રદર્શન, પત્નીએ લગાવ્યા ગંભીર આરોપ

Updated: May 13th, 2022


Google NewsGoogle News
રાહુલ ભટ્ટની હત્યા મામલે કાશ્મીરી પંડિતોનું વિરોધ પ્રદર્શન, પત્નીએ લગાવ્યા ગંભીર આરોપ 1 - image


- ઘાટીમાં કામ કરતા કાશ્મીરી પંડિત સમુદાયના સભ્યોએ પોતાની સુરક્ષાની માંગણી સાથે ઉગ્ર પ્રદર્શન કર્યું હતું 

નવી દિલ્હી, તા. 13 મે 2022, શુક્રવાર

બડગામમાં કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યાના એક દિવસ બાદ જમ્મુ અને કાશ્મીરના અનેક ભાગોમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયું છે. ઘાટીમાં કામ કરતા કાશ્મીરી પંડિત સમુદાયના સભ્યોએ પોતાની સુરક્ષાની માંગણી સાથે ઉગ્ર પ્રદર્શન કર્યું હતું.  કાશ્મીરી પંડિત સમુદાયમાંથી આવતા સરકારી કર્મચારીઓએ પણ કહ્યું હતું કે, જો તેઓને ઘાટીમાંથી જમ્મુમાં ટ્રાન્સફર કરવામાં નહીં આવે તો તેઓ સામૂહિક રીતે નોકરીમાંથી રાજીનામું આપી દેશે. કાશ્મીરી પંડિતો રસ્તા પર ઉતરી આવ્યા હતા સાથે જ કેન્દ્ર સરકાર અને જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર અને જમ્મુ-કાશ્મીર સરકાર તેમને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે.

કાશ્મીરી પંડિત સમુદાયના સ્થળાંતર કરનારાઓ માટે વિશેષ રોજગાર પેકેજ હેઠળ રાહુલ ભટ્ટને 2010-11માં ક્લાર્કની નોકરી મળી હતી. તે ઘાટીના ચાડૂરા તહસીલ ઓફિસમાં કામ કરતા હતા. આતંકીઓએ ગુરૂવારે ઓફિસમાં ઘૂસ્યા બાદ તેમની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. રાહુલને આસપાસની નજીકની હોસ્પીટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકની પત્નીએ કહ્યું હતું કે, 'સરકાર અમારી સુરક્ષા વિશે વિચારતી નથી. અમને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યા છે. આતંકવાદીઓ કાશ્મીરી પંડિતોને નિશાન બનાવીને મારી રહ્યા છે.  

તે જ સમયે, રાહુલ ભટ્ટના પિતાએ કહ્યું હતું કે, તે ઘાટીમાંથી જમ્મુ ટ્રાન્સફર કરાવવા માટે છેલ્લા ઘણા મહિનાઓથી અરજી કરી રહ્યો હતો પરંતુ જિલ્લા પ્રશાસને તેની અરજી પર ધ્યાન આપ્યું નહોતું. તેમણે કહ્યું હતું કે, જો સરકારી ઓફિસોમાં પંડિત 

સુરક્ષિત નથી તો પછી ક્યાં છે ? રાહુલની પત્ની અને બાળકો પણ કાશ્મીરમાં છે. સરકાર કાશ્મીરી પંડિતોને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે. રાહુલને 2011માં નોકરી મળી હતી પરંતુ તે ચાડૂરાથી ટ્રાન્સફર ઈચ્છતો હતો. આતંકવાદીઓ દ્વારા રાહુલ ભટ્ટની હત્યાના વિરોધમાં કાશ્મીરી પંડિતોએ બારામુલ્લા-શ્રીનગર હાઈવે અને જમ્મુ-શ્રીનગર હાઈવે બ્લોક કરીને વિરોધ કર્યો હતો.

ગુરૂવારે પણ વિરોધ કરવામાં આવ્યો હતો. કાશ્મીરી પંડિતોની માંગ હતી કે, જ્યાં સુધી ઉપરાજ્યપાલ મનોજ સિન્હા રાહુલના ઘરે નહીં આવે ત્યાં સુધી તેઓ રાહુલના મૃતદેહને લઈ જવા દેશે નહીં. જોકે વહીવટીતંત્રની સમજાવટ બાદ મૃતદેહને રાહુલ ભટ્ટના ઘરે લઈ જવામાં આવ્યો હતો. રાહુલ ભટ્ટના અંતિમ સંસ્કાર શુક્રવારે સવારે બંતાલાબમાં કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કાર સમયે જમ્મુ અને કાશ્મીરના ADGP મુકેશ સિંહ, ડિવિઝનલ કમિશનર રમેશ કુમાર અને ડેપ્યુટી કમિશનર અવની લવાસા હાજર હતા. અંતિમ સંસ્કાર વખતે મોટી સંખ્યામાં સુરક્ષા દળો અને સામાન્ય લોકો પણ હાજર હતા.


Google NewsGoogle News