'આવું જ દુ:ખ પિતાના નિધન બાદ થયું હતું' : રાહુલ ગાંધી
- લોકસભામાં વિપક્ષના નેતાની વાયનાડ મુલાકાત
- રાહુલ અને પ્રિયંકા ગાંધીએ દુર્ઘટનાને રાષ્ટ્રીય આપત્તિ ગણાવી, પીડિતોને સાંતવના પાઠવી
વાયનાડ : લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુરુવારે વાયનાડમાં ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ દુર્ઘટનાને રાષ્ટ્રીય આપત્તિ ગણાવી હતી. તેમણે વિસ્તારને ફરી બેઠો કરવા માટે એક્શન પ્લાનની માંગણી કરી હતી.
રાહુલ ગાંધીએ જણાવ્યું કે, ઘણા પીડિતો સાથે આ સમયે વાત કરવી મુશ્કેલ છે. પિતા રાજીવ ગાંધીના મૃત્યુ સાથે આ ઘટનાને સરખાવતા તેમણે કહ્યું કે, પિતાના મૃત્યુ બાદ તેમણે જેવી લાગણી અનુભવી હતી, તેવા જ દુ:ખનો અનુભવ તેઓ કરી રહ્યાં છે. ઘણા પીડિતોએ પિતાની સાથે પૂરો પરિવાર અને ઘર પણ ગુમાવ્યા છે ત્યારે, તેમના દુ:ખની કલ્પના કરવી અસંભવ છે.
રાહુલ અને બહેન પ્રિયંકા ગાંધીએ સૌપ્રથમ ભૂસ્ખલન પ્રભાવિત વાયનાડના ચૂરાલમલા વિસ્તારની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ભારે વરસાદ અને ફેલાયેલા કીચડ વચ્ચે રેઈનકોટ પહેરીને લાકડાના બનાવેલા અસ્થાયી પુલને પાર કર્યો હતો. અહીંથી બંને ડોક્ટર મૂપેન મેડિકલ કોલેજ અને મેપ્પાડીમાં સ્વાસ્થ્ય કેન્દ્રની મુલાકાતે ગયા હતાં, જ્યાં પીડિતોના મૃતદેહોને રાખવામાં આવ્યા છે.
પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે, મુશ્કેલીના સમયે પીડિતોની કેવી રીતે મદદ કરવી તેના વિશે તેઓ પ્રયત્ન કરી રહ્યાં છે. આ માટે તેઓ શુક્રવારે પણ વાયનાડમાં રોકાશે તેવી માહિતી તેમણે આપી હતી. આ મુલાકાત દરમિયાન કોંગ્રેસના જનરલ સેક્રેટરી અને સાંસદ કે.સી.વેણુગોપાલ સહિત અન્ય કોંગ્રેસ નેતાઓ હાજર રહ્યાં હતાં.